સાહીલને સાથે લઈ પોલીસ મથકે પહોંચ્યા રાહુલ ગાંધી : FIR માટે ધરણા
જંતર-મંતર પર વિદ્યાર્થી આંદોલન દરમિયાન પેલેટગનથી ઈજાગ્રસ્ત થયેલા 19 વર્ષીય સાહીલ લોચાબને સાથે લઈ રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સાહીલની ફરિયાદના આધારે FIR નોંધવાની માંગ સાથે રાહુલ ગાંધી પોલીસ મથક બહાર ધરણા પર બેસી ગયા હતા.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સાહીલના શરીરમાં 200થી વધુ પેલેટના છરા છે અને તેની આંખની દૃષ્ટિ ગુમાવવાનો ભય છે, છતાં પોલીસ ફરિયાદ નોંધતી નથી. તેમણે કહ્યું કે FIR નોંધાયા બાદ જ તેઓ ધરણું સમાપ્ત કરશે.
પોલીસે જણાવ્યું હતું કે જંતર-મંતર ઘટનાની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટે પણ નિવૃત્ત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદે તપાસ સમિતિ બનાવી છે. તેથી અલગ FIRની જરૂરિયાત અંગે પોલીસે વાંધો વ્યક્ત કર્યો હતો.
રાહુલ ગાંધીના ધરણાની જાણ થતાં પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ સહિત કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પોલીસ મથકે પહોંચી ગયા હતા. મોટી ભીડ એકઠી થતાં પોલીસ સ્ટેશન આસપાસ ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
બીજી તરફ પોલીસનો દાવો છે કે જંતર-મંતર પરના દેખાવ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થતાં બળપ્રયોગ કરવો પડ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ હાલ ચાલુ છે.









