માનવસેવા અને મૂલ્યઆધારિત જીવન માટેના યોગદાનને મળ્યું આંતરરાષ્ટ્રીય ગૌરવ; મેયર જોન હોર્ને કરી ઐતિહાસિક જાહેરાત
જેક્સન (મિસિસિપી, અમેરિકા): ભારતીય આધ્યાત્મિક પરંપરા અને માનવસેવાના મૂલ્યોને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવપૂર્ણ માન્યતા મળી છે. અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના મેયર જોન હોર્ને સત્તાવાર રીતે 8 જુલાઈને ‘પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે જાહેર કરવાની ઐતિહાસિક જાહેરાત કરી છે.
8 જુલાઈ, 2026ના રોજ ધ હિલ્ટન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં એક હજારથી વધુ મહાનુભાવો અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે આ વિશેષ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીશ્રીએ વિશ્વભરમાં પ્રામાણિકતા, કરુણા, ચારિત્ર્ય નિર્માણ અને નિઃસ્વાર્થ માનવસેવાના મૂલ્યોના પ્રસાર માટે કરેલા વિશિષ્ટ યોગદાનને માન્યતા આપતા લેવામાં આવ્યો છે.
પ્રસંગે મેયર જોન હોર્ને જણાવ્યું હતું કે, “પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીશ્રીનું જીવન સમાજસેવા, નૈતિક મૂલ્યો અને માનવકલ્યાણ માટે સમર્પિત રહ્યું છે. જેક્સન શહેર તેમના આ પ્રેરણાદાયી યોગદાનને સન્માનિત કરતાં તમામ નાગરિકોને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા પ્રોત્સાહિત કરે છે.”
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને શ્રદ્ધાળુઓએ આ જાહેરાતને માત્ર વ્યક્તિગત સન્માન નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને વૈશ્વિક માનવસેવાના મૂલ્યોને મળેલી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય માન્યતા ગણાવી હતી.
જેક્સન શહેરનો આ નિર્ણય ભારતીય આધ્યાત્મિક પરંપરાના વૈશ્વિક પ્રભાવ અને માનવકલ્યાણ માટેના નિઃસ્વાર્થ સેવાકાર્યને મળેલા ગૌરવપૂર્ણ સન્માન તરીકે જોવામાં આવી રહ્યો છે.









