નવી દિલ્હીઃ સ્વાતંત્ર્ય દિન 2026ના અવસરે દેશની સુરક્ષા અને સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને જેલ વિભાગના કુલ 1,057 કર્મીઓને વિવિધ વીરતા અને સેવા પદકોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે આ અંગે માહિતી જાહેર કરી છે.
આ વર્ષે કુલ 301 મેડલ ફોર ગેલન્ટ્રી એનાયત કરવામાં આવ્યા છે. તેમાં 272 પોલીસ કર્મી અને 29 ફાયર સર્વિસ કર્મીનો સમાવેશ થાય છે. ફરજ દરમિયાન સાહસ અને બહાદુરીપૂર્ણ કામગીરી બદલ આ પદકો આપવામાં આવ્યા છે.
વિશિષ્ટ સેવા માટે 92 રાષ્ટ્રપતિ પદક એનાયત કરાયા છે. લાંબા સમય સુધી ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર સેવા આપનાર કર્મીઓને આ સન્માન મળ્યું છે. તેમાં 83 પોલીસ, 4 ફાયર સર્વિસ, 3 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ તથા 2 જેલ વિભાગના કર્મી સામેલ છે.
આ ઉપરાંત 664 કર્મીઓને મેડલ ફોર મેરિટોરીયસ સર્વિસ (MSM) એનાયત કરવામાં આવ્યા છે. કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા અને પ્રશંસનીય સેવા બદલ આપવામાં આવેલા આ પદકોમાં 606 પોલીસ, 28 ફાયર સર્વિસ, 18 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ અને 12 જેલ કર્મીઓનો સમાવેશ થાય છે.
આ પદકો દ્વારા દેશની સુરક્ષા અને જનસેવામાં સમર્પિત કર્મચારીઓની બહાદુરી, નિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી છે.









