વોશિંગ્ટનઃ ચીન પરની નિર્ભરતા ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી અમેરિકાએ વિદેશથી આયાત થતા ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સ પર 100% સુધીનો ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ નવો ટેરિફ મુખ્યત્વે 3 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
નવા નિયમ મુજબ 25 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા અથવા થર્મલ ઈમેજિંગ જેવી અદ્યતન ટેક્નોલોજી ધરાવતા ડ્રોન પર 100% સુધીનો ટેરિફ લાગશે. જ્યારે નાના અને સામાન્ય ડ્રોન પર 25% સુધીનો ટેરિફ લાદવામાં આવશે.
આ નિર્ણય તમામ દેશોમાંથી આવતા ડ્રોન પર લાગુ થશે, પરંતુ તેનો સીધો ફાયદો ચીનના ડ્રોન બજારને અસર કરવાનો છે. અમેરિકાના કોમર્શિયલ ડ્રોન માર્કેટમાં ચીની કંપનીઓનું વર્ચસ્વ છે. ખાસ કરીને DJI કંપની રિયલ એસ્ટેટ, કૃષિ, ફિલ્મ પ્રોડક્શન અને કન્ટેન્ટ ક્રિએશન ક્ષેત્રે મજબૂત હાજરી ધરાવે છે.
અમેરિકાના આ પગલાનો હેતુ વિદેશી સપ્લાય ચેઈન પરની નિર્ભરતા ઘટાડીને ઘરઆંગણે ડ્રોન ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ સંવેદનશીલ ડ્રોન ટેક્નોલોજી અંગે રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમેરિકાના આ નિર્ણયની અસર ભારતીય ડ્રોન ઉત્પાદકો પર પણ પડી શકે છે, કારણ કે ભારતીય નાના અને કોમર્શિયલ ડ્રોન પર 25% સુધીનો ટેરિફ લાગશે. જોકે, ચીની ડ્રોન પર કડક નિયંત્રણો ભારત માટે નવી તકો ઊભી કરી શકે છે.
ideaForge, DroneAcharya અને Garuda Aerospace જેવી ભારતીય કંપનીઓ માટે અમેરિકન બજારમાં વિસ્તરણ અને ડ્રોનની નિકાસ વધારવાની સંભાવનાઓ વધી શકે છે.









