રાજ્યના પોલીસ વડા વી.એસ. મલિકનો મહત્વપૂર્ણ આદેશ: અધિકારીઓએ દરરોજ 2 કલાક અરજદારોને સાંભળવા પડશે

રાજ્યના પોલીસ વડા વી.એસ. મલિકે રાજ્યભરના પોલીસ સ્ટેશનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવા આદેશ મુજબ પોલીસ અધિકારીઓએ દરરોજ ઓછામાં ઓછા બે કલાક અરજદારો અને ફરિયાદીઓની રજૂઆતો સાંભળવા માટે ફાળવવાના રહેશે.

આ પહેલનો મુખ્ય હેતુ લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તેમજ તેમની ફરિયાદોનો સ્થાનિક સ્તરે જ સમયસર નિકાલ થાય તે છે. પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી છે કે સામાન્ય નાગરિકોને તેમની ફરિયાદ માટે વારંવાર ધક્કા ખાવા ન પડે અને શક્ય તેટલો પ્રશ્નોનો ઉકેલ પોલીસ સ્ટેશન સ્તરે જ લાવવામાં આવે.

નવી ગાઈડલાઈન અનુસાર, કોઈપણ ફરિયાદ કે અરજીનો 15 દિવસની અંદર નિકાલ કરવો ફરજિયાત રહેશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ફરિયાદનો ઉકેલ નહીં આવે અથવા બેદરકારી સામે આવશે તો સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય પોલીસ વડાના આ નિર્ણયને કારણે ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને જવાબદારી આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યભરના તમામ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડક પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

Leave a Comment

Traffic Tail