IAFના વિંગ કમાન્ડર પર દેશદ્રોહના આરોપો: પૈસા અને ન્યુડ ફોટાના બદલામાં ડ્રોન યુનિટની ગુપ્ત માહિતી લીક કર્યાનો દાવો

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર એમ.એસ. સભરવાલ સામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા અત્યંત ગંભીર આરોપો સામે આવ્યા છે. તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે નાણાં અને કથિત ન્યુડ તસવીરોના બદલામાં તેમણે એક કથિત દુશ્મન જાસૂસને સંવેદનશીલ સૈન્ય માહિતી પહોંચાડી હતી.

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, લીક થયેલા દસ્તાવેજોમાં ડ્રોન યુનિટની બે ઓપરેશનલ તૈનાતી જગ્યાઓની માહિતી હતી. આરોપ છે કે સભરવાલે પોતાની યુનિટના ગોપનીય વોર પ્લાનનું એક પેજ કથિત રીતે જાસૂસને અપલોડ કર્યું હતું. આ બંને સ્થળોની પસંદગી અને અંતિમ નિર્ધારણની પ્રક્રિયામાં લગભગ પાંચ વર્ષ લાગ્યા હોવાનું તપાસમાં જણાવાયું છે.

લીક થયેલી માહિતીમાં યુનિટની સંગઠનાત્મક રચના અને ઓપરેશનલ ક્ષમતાની વિગતો પણ સામેલ હોવાનો દાવો છે. તેમાં ચાર પાયલોટ અને 180 એરમેનની ટીમ એકસાથે અનેક ડ્રોનનું સંચાલન કરી શકે છે તેવી મહત્વપૂર્ણ માહિતી હોવાનું કહેવાય છે.

આરોપો દસ્તાવેજો સુધી મર્યાદિત નથી. તપાસમાં એવો પણ દાવો થયો છે કે સભરવાલે ખાનગી ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરીને એક્સરસાઇઝ વિસ્તારમાં ડ્રોન ટ્રાયલ અને ફાયરિંગનું રેકોર્ડિંગ કર્યું હતું.

ગુપ્ત માહિતી લીક થયા બાદ સંબંધિત બંને ઓપરેશનલ સ્થળો તેમના મૂળ હેતુ માટે બિનઉપયોગી બની ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી તપાસ એજન્સીઓ દ્વારા ડિજિટલ પુરાવા, સંપર્કો અને માહિતી લીક થવાની સમગ્ર કડીની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail