આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ફરી 90 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. 19 ઓગસ્ટે બ્રેન્ટ ક્રૂડ લગભગ 91.56 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. હોર્મુઝ જળમાર્ગમાંથી ક્રૂડની અવરજવર અંગેની અનિશ્ચિતતા અને મધ્ય-પૂર્વમાં સતત તણાવને કારણે ઓઈલના ભાવ પર દબાણ વધ્યું છે.
ભારત માટે ચિંતાની બાબત એ છે કે વૈશ્વિક ભાવ વધવાની સાથે ગલ્ફ ક્રૂડનું પ્રીમિયમ પણ વધી રહ્યું છે. બીજી તરફ રશિયન ક્રૂડ પર ભારતીય રિફાઈનરીઓને અગાઉ મળતા ડિસ્કાઉન્ટ હવે મોટા પ્રમાણમાં ગાયબ થઈ ગયા છે. વેનેઝુએલાના ક્રૂડમાં મળતી કિંમતની રાહત પણ ઘટી છે. પરિણામે ભારતીય રિફાઈનરીઓનો વાસ્તવિક ક્રૂડ ખરીદી ખર્ચ વૈશ્વિક બેન્ચમાર્ક કરતાં ઝડપથી વધી રહ્યો છે.
હોર્મુઝ રૂટમાં વિક્ષેપને કારણે વૈકલ્પિક શિપિંગ રૂટનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન, વીમો અને અન્ય લોજિસ્ટિક ખર્ચ વધી રહ્યા છે. ભારત પોતાની ક્રૂડ જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળાની સીધી અસર રિફાઈનિંગ ખર્ચ પર પડે છે.
જુલાઈમાં બ્રેન્ટ ક્રૂડ લગભગ 70 ડોલરની આસપાસ આવી ગયું હતું, પરંતુ ત્યારબાદ ભૌગોલિક-રાજકીય તણાવ વધતાં ભાવમાં ફરી તેજી આવી છે. હાલ બ્રેન્ટ 90 ડોલરથી ઉપર હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા પર બ્રેક લાગી છે.
જો હોર્મુઝ જળમાર્ગને લઈને અનિશ્ચિતતા લાંબી ચાલશે અને ક્રૂડ સપ્લાય પર વધુ અસર પડશે, તો આગામી દિવસોમાં ક્રૂડના ભાવમાં વધુ ઉછાળાની શક્યતા પણ નકારી શકાય નહીં.









