હાઈ-બીમની દાદાગીરી હવે નહીં ચાલે! નવા વાહનો માટે સરકાર લાવી રહી છે કડક નિયમો

ટૂ-વ્હીલરમાં ઓટોમેટિક હેડલાઈટ માત્ર લો-બીમ પર રહેશે : શહેરોમાં હાઈ-બીમ ચાલુ કરશો તો મળશે ઓડિયો એલર્ટ

નવી દિલ્હી: રાત્રે વાહન ચલાવતી વખતે હાઈ-બીમના અતિશય ઉપયોગથી સામે આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જતાં અકસ્માતનું જોખમ વધી જાય છે. આ સમસ્યાને કાબૂમાં લેવા માટે માર્ગ પરિવહન મંત્રાલય વાહનોના હેડલાઈટ ધોરણોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા નિયમો આગામી એપ્રિલથી અમલમાં મૂકવાની યોજના છે.

નવા ટૂ-વ્હીલરમાં લો-બીમ જ ઓટોમેટિક

નવા નિયમો પ્રમાણે નવા ટૂ-વ્હીલર્સમાં ઓટોમેટિક હેડલેમ્પ ઓન (AHO) સિસ્ટમ એક્ટિવ થતાં માત્ર લો-બીમ એટલે કે પાસિંગ બીમ જ ચાલુ રહેશે. હાલની વ્યવસ્થામાં ઓટોમેટિક સેટિંગ મુજબ હાઈ અને લો બંને બીમનો વિકલ્પ રહે છે.

મહત્વનું એ છે કે આ નિયમ માત્ર નવા ટૂ-વ્હીલર્સ માટે લાગુ થશે. જૂના વાહનોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર રહેશે નહીં.

કાર-બાઈકની હેડલાઈટ પણ ઓછી તીવ્રતાની

સરકાર હેડલાઈટની મહત્તમ તીવ્રતા પણ ઘટાડવા જઈ રહી છે. ટૂ-વ્હીલર્સ માટે તીવ્રતા 1.5 લાખથી ઘટાડીને 1 લાખ કેન્ડેલા, જ્યારે કાર માટે 2.25 લાખથી ઘટાડીને 1.5 લાખ કેન્ડેલા કરવાની જોગવાઈ છે.

હેડલાઈટના સફેદ પ્રકાશનું કલર ટેમ્પરેચર પણ 6,500 કેલ્વિન સુધી મર્યાદિત કરાશે, જેથી સામેના ડ્રાઈવરની આંખો પર ઓછો તાણ પડે.

શહેરમાં હાઈ-બીમ કરશો તો વાહન જ ટોકશે!

શહેરોમાં હાઈ-બીમનો બિનજરૂરી ઉપયોગ રોકવા માટે નવી પેઢીનાં વાહનોમાં ઓડિયો એલર્ટ સિસ્ટમ લગાવવાની દરખાસ્ત છે. ડ્રાઈવર શહેરી વિસ્તારમાં હાઈ-બીમ ચાલુ કરશે તો સિસ્ટમ તેને લો-બીમ પર પાછા જવાની સૂચના આપશે.

જોકે હાઈવે પર આ નિયમમાં રાહત રહેશે. 60 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે હાઈવે પર વાહન દોડતું હશે ત્યારે ઓડિયો ચેતવણી નહીં મળે, કારણ કે અંધારા હાઈવે પર હાઈ-બીમ જરૂરી બની શકે છે.

ભારે વાહનો પણ નિયમના દાયરામાં

બસ અને અન્ય ભારે વાહનોમાં રાત્રે તથા ખરાબ હવામાન દરમિયાન વિઝિબિલિટી વધારવા માટે રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત કરવાની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે.

આ નવા નિયમોનો મુખ્ય હેતુ હાઈ-બીમથી થતી અંજવાળ ઘટાડીને રાત્રિના માર્ગ અકસ્માતો અટકાવવા અને ડ્રાઈવિંગને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

Leave a Comment

Traffic Tail