હોર્મુઝ પર ઈરાનનો ‘ટોલ ટેક્સ’ દાવઃ જહાજોએ પહેલાં મંજૂરી લેવી પડશે, સંસદે આપી લીલી ઝંડી

અમેરિકા સાથેના ઘર્ષણ વચ્ચે ઈરાને હોર્મુઝ જળમાર્ગને લઈને મોટો નિર્ણય લીધો છે. હોર્મુઝમાંથી પસાર થતાં વ્યાવસાયિક જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના પ્રસ્તાવને ઈરાની સંસદે મંજૂરી આપી છે.

પ્રસ્તાવ મુજબ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થનારા જહાજોએ ઈરાની સત્તાધિકારીઓની પૂર્વ મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઈરાન દ્વારા નક્કી કરવામાં આવનાર ટોલ ટેક્સ પણ ચૂકવવો પડશે.

ટોલના બદલામાં ઈરાન જહાજોને વિવિધ સમુદ્રી સેવાઓ પૂરી પાડશે. તેમાં નેવિગેશન સહાય, કટોકટીના સમયે મદદ અને વિઝા સંબંધિત સુવિધાઓ સામેલ છે. ખાસ પરિસ્થિતિમાં જહાજોને ઈંધણ પૂરું પાડવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ માટેનું ચુકવણું ઈરાની અથવા અન્ય માન્ય કરન્સીમાં કરી શકાશે.

ઈરાનના આ પગલાને હોર્મુઝ જળમાર્ગ પર પોતાનો અધિકાર અને નિયંત્રણ દર્શાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં હોર્મુઝને અમેરિકી પ્રદેશ તરીકે દર્શાવતો નકશો રજૂ કરીને તેનું નામ બદલવાના સંકેત આપ્યા બાદ ઈરાનનો આ નિર્ણય મહત્વનો બન્યો છે.

બીજી તરફ અમેરિકાએ ઈરાન પર વધુ કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. પરિણામે હોર્મુઝ જળમાર્ગને લઈને બંને દેશો વચ્ચેનો તણાવ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail