EWS વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ કોલેજોમાં સરકારી ફીનો લાભ નહીં, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

નવી દિલ્હી: આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ માટે ખાનગી મેડિકલ કોલેજોમાં સરકારી કોલેજો જેટલી ફી લાગુ કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે ખાનગી અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓની કાર્યપદ્ધતિ અને નાણાકીય માળખું અલગ હોવાથી બંને માટે સમાન ફી માળખું ફરજિયાત કરી શકાય નહીં.

જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે સરકારી મેડિકલ કોલેજોને સરકાર તરફથી નાણાકીય સહાય અને ગ્રાન્ટ મળતી હોય છે, જ્યારે ખાનગી સંસ્થાઓ પોતાનો વહીવટ અને સુવિધાઓનો ખર્ચ મુખ્યત્વે ફી દ્વારા સંચાલિત કરે છે.

અદાલતે જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજોને સરકારી કોલેજો જેટલી જ ફી વસૂલવાનો આદેશ આપવાથી તેમની કામગીરી અને તબીબી શિક્ષણ ક્ષેત્રે આપતા યોગદાન પર નકારાત્મક અસર પડી શકે છે. દેશમાં વધુ ડોકટરો તૈયાર કરવાની જરૂરિયાત વચ્ચે ખાનગી મેડિકલ કોલેજોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું.

સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ જણાવ્યું કે જો કોઈ વિદ્યાર્થી ઊંચી ફી ચૂકવવામાં અસમર્થ હોય તો તેના માટે શિષ્યવૃત્તિ, સબવેન્શન, શૈક્ષણિક લોન અથવા અન્ય નાણાકીય સહાય જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. આવા મુદ્દાઓનો ઉકેલ ફી માળખું બદલવાને બદલે સહાય યોજનાઓ દ્વારા પણ લાવી શકાય છે.

અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે EWS કેટેગરી માટે નક્કી કરાયેલી રૂ. 8 લાખની વાર્ષિક આવક મર્યાદા અને ખાનગી મેડિકલ કોલેજોની ઊંચી ફી વચ્ચે વિરોધાભાસ છે. જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી અને રાજસ્થાન હાઈકોર્ટના અગાઉના નિર્ણયને યથાવત રાખ્યો હતો.

રાજસ્થાન હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજોની ફી રાજ્યની ફી નિયમનકારી સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે, તેથી તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં સાથે સ્પષ્ટ કર્યું હતું કે ભવિષ્યમાં આ વિષય સાથે જોડાયેલા વ્યાપક કાનૂની અને નીતિગત પ્રશ્નો સામે આવે તો તેની અલગ રીતે વિચારણા થઈ શકે છે.

Leave a Comment

Traffic Tail