રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો પ્રારંભ, વિરોધીઓને આપ્યો જવાબ

રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે શનિવારથી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો ભવ્ય પ્રારંભ થયો હતો. કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના વિરોધીઓ પર પ્રત્યાઘાત આપતા કેટલાક નિવેદનો કર્યા હતા.

કથાની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, “મારી જેટલી પરીક્ષા થઈ છે, તેટલી સીતા માતાની પણ નથી થઈ.” તેમણે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં જ્યારે તેઓ રાજકોટ આવ્યા હતા ત્યારે પણ તેમના કાર્યક્રમનો વિરોધ થયો હતો અને આજે પણ વિરોધ થઈ રહ્યો છે. તેમ છતાં તેઓ પોતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, તેઓ હિન્દુ સમાજને એક કરવાના ઉદ્દેશ સાથે કાર્ય કરી રહ્યા છે. સમાજમાં એકતા અને ધાર્મિક જાગૃતિ લાવવા માટે વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે રવિવારે દિવ્ય દરબાર યોજવાની જાહેરાત કરી હતી. દિવ્ય દરબાર અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે તેનો હેતુ કોઈ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી, પરંતુ લોકોને ધર્માંતરણથી બચાવવા અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવાનો છે.

કથાના પ્રારંભ સાથે જ રાજકોટમાં ધાર્મિક માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail