ગાંધીનગર: ગુજરાતને દેશનું સૌથી મોટું અને અદ્યતન ડેટા સેન્ટર હબ બનાવવા રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ જાહેર કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં નવી પોલિસીનું સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નવી નીતિ ગુજરાતને દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે સૌથી આકર્ષક રાજ્ય તરીકે સ્થાપિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા વિઝનને આગળ વધારતા રાજ્યમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા આ પોલિસી મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યું કે ક્લાઉડ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઈ-કોમર્સ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોને નવી ગતિ મળશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ધોલેરા વિશ્વના સૌથી મોટા ‘ડેટા સેન્ટર સિટી’ તરીકે વિકસવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારે 7.5 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નક્કી કર્યું હોવા છતાં દેશ-વિદેશની અગ્રણી કંપનીઓ તરફથી તેનાથી પણ વધુ ક્ષમતાની માંગ સાથેના પ્રસ્તાવો પ્રાપ્ત થયા હોવાનું તેમણે જણાવ્યું.
નવી પોલિસી હેઠળ ડેટા સેન્ટરો માટે કુલ વીજ વપરાશમાંથી ઓછામાં ઓછા 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઉપરાંત પાણીની જરૂરિયાત પૂરી કરવા ડીસેલીનેશન પ્લાન્ટના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. રોકાણકારોને સરળતા રહે તે માટે લેન્ડ પોકેટ્સ, સિંગલ-વિન્ડો ક્લિયરન્સ અને સિનિયર નોડલ ઓફિસરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્યને અત્યાર સુધીમાં 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર માટેના પ્રસ્તાવો મળી ચૂક્યા છે, જેમાંથી આશરે 8 ગીગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટ્સ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ પોલિસી માત્ર ડેટા સ્ટોરેજ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર AI ઇકોસિસ્ટમના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
મુખ્ય સચિવ મનોજકુમાર દાસે આ પોલિસીને ગુજરાતના ડિજિટલ વિકાસ માટે ‘ગેમ ચેન્જર’ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય પાસે વિશાળ દરિયાકાંઠો તેમજ સૌર અને પવન ઊર્જાના સમૃદ્ધ સ્ત્રોત ઉપલબ્ધ હોવાથી ડેટા સેન્ટરો માટે જરૂરી વીજળી અને પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.
રાજ્ય સરકારના અંદાજ મુજબ, નવી ડેટા સેન્ટર પોલિસીના અમલીકરણથી ગુજરાતમાં આશરે રૂ. 6 લાખ કરોડનું રોકાણ આકર્ષાશે અને મોટા પાયે રોજગારીની નવી તકો ઊભી થશે. સાથે જ ગુજરાતને વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રમાં અગ્રણી સ્થાન અપાવવામાં આ પોલિસી મહત્વપૂર્ણ સાબિત થશે.









