કારાકાસ: વેનેઝુએલામાં બુધવારે આવેલા વિનાશક બેવડા ભૂકંપ બાદ સ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે. સતત ચાલી રહેલા બચાવ અભિયાન દરમિયાન કાટમાળમાંથી મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 1,500ને પાર પહોંચી ગયો છે. જ્યારે 3,238થી વધુ લોકો ઘાયલ થયા છે અને 68 હજારથી વધુ લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે.
રવિવારે રાહત અને બચાવ કામગીરી દરમિયાન 33 લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક બચાવ દળો ઉપરાંત આંતરરાષ્ટ્રીય ટીમો પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. અમેરિકાના બચાવ દળો પણ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે.
આ દરમિયાન શનિવારે 4.1ની તીવ્રતાનો વધુ એક આફ્ટરશોક નોંધાતા સ્થાનિક લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાયો હતો. ભૂકંપના કારણે સૌથી વધુ અસર કારાકાસથી આશરે 40 કિલોમીટર દૂર આવેલા લા ગુઆઇરા વિસ્તારમાં જોવા મળી છે, જ્યાં અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે.
ભારતે પણ મુશ્કેલીના આ સમયમાં વેનેઝુએલાને માનવતાવાદી સહાય પૂરી પાડી છે. ભારતીય વાયુસેનાના બે C-17 વિમાનો મારફતે અંદાજે 35 ટન રાહત સામગ્રી તેમજ ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલની ટીમ વેનેઝુએલા મોકલવામાં આવી છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડીકલે રોડ્રિગેઝે જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપન કામગીરી સતત ચાલુ રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે ભારે નુકસાનને કારણે અનેક શાળાઓ આગામી કેટલાક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.









