રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા ડિમોલિશન અભિયાનના ખર્ચને લઈને હવે વિવાદ વધુ ઘેરાયો છે. ડિમોલિશન કામગીરીનો કુલ ખર્ચ કરોડો રૂપિયાને પાર પહોંચ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે વિવિધ ખર્ચના બિલોને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ, ડિમોલિશન દરમિયાન નાસ્તા માટે અંદાજે રૂ. 27 લાખ, પાણી માટે રૂ. 12.40 લાખ, મંડપ માટે રૂ. 6.70 લાખ અને CCTV કેમેરા સંબંધિત ખર્ચ માટે રૂ. 24 લાખના બિલ રજૂ થયાં હોવાનું સામે આવ્યું છે. આ ખર્ચના આંકડાઓ જાહેર થતાં સમગ્ર મામલે ચર્ચા અને વિવાદ તેજ બન્યો છે.
ખાસ કરીને નાસ્તા, પીવાના પાણી, મંડપ અને CCTVના ખર્ચને લઈને લોકો તેમજ વિવિધ આગેવાનો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. રજૂ થયેલા બિલોની પારદર્શિતા અને ખર્ચની યોગ્યતા અંગે સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી રહી છે.
આ મામલે પ્રતિક્રિયા આપતા વશરામ સાગઠિયાએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે જાહેર નાણાંના ખર્ચમાં સંપૂર્ણ પારદર્શિતા હોવી જરૂરી છે અને જો કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ.
હાલ સમગ્ર મામલે ચર્ચા ગરમાઈ છે અને સંબંધિત બિલો તથા ખર્ચ અંગે વધુ તપાસ અને સ્પષ્ટતા થાય તેવી માંગ ઉઠી રહી છે.









