ભાદર-2 ડેમમાં કેમિકલયુક્ત પાણી ભળ્યાના આક્ષેપથી ચિંતા, 67 ગામોના પાણી પર ખતરો?

ધોરાજી, રાજકોટ જિલ્લો:
ધોરાજી શહેર તેમજ આસપાસના 67 ગામોની જીવાદોરી ગણાતા ભાદર-2 ડેમમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ગેરકાયદેસર રીતે ભળતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ડેમના કિનારે ફીણવાળું અને શંકાસ્પદ પાણી જોવા મળતાં પ્રદૂષણ અંગે સવાલો ઊભા થયા છે.

સ્થાનિકો અને ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી ડેમમાં છોડવામાં આવી રહ્યું હોવાની આશંકા છે. ભાદર-2 ડેમ ધોરાજી અને આસપાસના વિસ્તારો માટે પીવાના પાણી તેમજ સિંચાઈનો મુખ્ય સ્ત્રોત હોવાથી આ મુદ્દો અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે.

સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો સમયસર તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો પ્રદૂષિત પાણીના કારણે પશુધનના આરોગ્ય પર અસર, ખેતીમાં નુકસાન તેમજ માનવ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી પાણીના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ધોરાજીના એડવોકેટ દિનેશ વોરાએ જણાવ્યું હતું કે ભાદર-2 ડેમમાં ભળતા શંકાસ્પદ પાણી અંગે ગંભીરતાથી તપાસ થવી જોઈએ અને જો કોઈ એકમ જવાબદાર સાબિત થાય તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

ખેડૂત ચંદુભાઈ રવજીભાઈ મકવાણાએ પણ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ડેમનું પાણી ખેતી અને પશુપાલન માટે જીવનદોરી સમાન છે. પાણી પ્રદૂષિત થશે તો ખેડૂતો અને ગ્રામજનોને સીધી અસર ભોગવવી પડશે.

ભાદર-2 ડેમ જેવા મહત્વના જળસ્ત્રોતમાં પ્રદૂષણના આક્ષેપો સામે આવતા સમગ્ર પંથકમાં ચિંતા ફેલાઈ છે. હવે પ્રશાસન અને સંબંધિત વિભાગો આ મામલે કેટલી ઝડપથી અને અસરકારક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Leave a Comment

Traffic Tail