ગુજરાતમાં મેઘમહેર યથાવત: 225 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત સૌથી વધુ ધમરોળાયું

સુરત ફરી જળબંબાકાર, વલસાડમાં સાડા આઠ ઇંચ વરસાદ; કચ્છમાં પણ મેઘરાજાની એન્ટ્રી

અમદાવાદ: રાજ્યભરમાં ચોમાસું વધુ સક્રિય બનતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ તોફાની બેટિંગ કરી છે, જ્યારે કચ્છમાં પણ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતો અને લોકોને રાહત મળી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, વલસાડ જિલ્લાના તાપી વિસ્તારમાં સૌથી વધુ 218 મીમી (8.50 ઇંચ) વરસાદ નોંધાયો હતો. પારડી અને ઉમરગામમાં અંદાજે 6.50 ઇંચ, વલસાડ શહેરમાં 5.50 ઇંચ, જ્યારે નાના પોંઢા અને કપરાડામાં 6-6 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

નવસારી જિલ્લાના ખેરગામમાં 5 ઇંચ અને સુરત જિલ્લાના કામરેજમાં 6.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પણ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા અને જનજીવન પ્રભાવિત બન્યું. ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો વ્યાપ વધ્યો છે. કચ્છ જિલ્લામાં લાંબી રાહ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. રાપરમાં 2 ઇંચ, ગાંધીધામમાં પોણો ઇંચ અને ભચાઉમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના રાધનપુરમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના સિનોર અને ડભોઈમાં 4-4 ઇંચ, પાદરામાં અઢી ઇંચ અને કરજણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

છોટા ઉદેપુરના બોડેલીમાં સાડા ત્રણ ઇંચ, કડવાઈમાં 2 ઇંચ અને મહીસાગરના ખાનપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 28.90 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે સીઝનનો કુલ સરેરાશ વરસાદ 185.77 મીમી, એટલે કે વાર્ષિક સરેરાશના 20.44 ટકા સુધી પહોંચી ગયો છે.

ઝોનવાર વરસાદની સ્થિતિ મુજબ કચ્છમાં 1.92 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 15.20 ટકા, સૌરાષ્ટ્રમાં 26.79 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે.

Leave a Comment

Traffic Tail