2040 સુધીમાં ડેંગ્યુના કેસોમાં 20% સુધીનો વધારો શક્ય, 2100 સુધી જોખમ 113% સુધી વધવાનો અંદાજ
કેરળઃ હવામાનમાં થઈ રહેલા ફેરફારને કારણે આવનારા વર્ષોમાં ડેંગ્યુનું જોખમ વધી શકે છે. કેરળમાં થયેલા નવા અભ્યાસ મુજબ 2021થી 2040 દરમિયાન ડેંગ્યુના કેસોના દરમાં 16થી 20% સુધીનો વધારો થઈ શકે છે.
અભ્યાસમાં લાંબા ગાળાના જળવાયુ મોડેલના આધારે 2081થી 2100 વચ્ચે ડેંગ્યુ સંક્રમણમાં 46થી 113% સુધીનો વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે આ આંકડા ચોક્કસ ભવિષ્યના કેસો નહીં, પરંતુ વિવિધ જળવાયુ પરિસ્થિતિઓના આધારે કરાયેલા અંદાજ છે.
ગરમી-ભેજનું કોમ્બિનેશન જોખમી
અભ્યાસ અનુસાર ચોમાસા પહેલાં 30.5થી 32.5 ડિગ્રી તાપમાન અને 66થી 79% ભેજ હોય ત્યારે ડેંગ્યુના કેસો વધવાની શક્યતા વધુ રહે છે. માત્ર વરસાદ કરતાં તાપમાન અને ભેજનું ચોક્કસ સંયોજન ડેંગ્યુ સંક્રમણ સાથે વધુ જોડાયેલું હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે.
સમગ્ર દેશ માટે ચેતવણીરૂપ સંકેત
આ અભ્યાસ કેરળના 14 વર્ષના ડેટા પર આધારિત છે, તેથી તેના તારણો સીધા સમગ્ર ભારત માટે લાગુ કરી શકાય નહીં. તેમ છતાં બદલાતા હવામાન વચ્ચે ડેંગ્યુની રોકથામ અને અગાઉથી દેખરેખ વધારવાની જરૂરિયાત તરફ અભ્યાસ મહત્વપૂર્ણ સંકેત આપે છે.









