‘રાઈઝ એન્ડ ફોલ’માં વીરેન્દ્ર સહેવાગની નવી ઇનિંગ્સ

ક્રિકેટ બાદ હવે રિયાલિટી શોમાં હોસ્ટની ભૂમિકા, 20 વર્ષનો અનુભવ કન્ટેસ્ટન્ટ્સને સમજવામાં આવશે ઉપયોગી

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ઓળખ બનાવનાર વીરેન્દ્ર સહેવાગ હવે ટીવી રિયાલિટી શોમાં નવી ભૂમિકામાં જોવા મળશે. સહેવાગ ‘રાઈઝ એન્ડ ફોલ’ શોને હોસ્ટ કરશે.

આ શોમાં બેટ-બોલની રમતને બદલે અલગ સ્વભાવ અને વિચારસરણી ધરાવતા કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે વ્યૂહરચના, મનોવિજ્ઞાન અને નિર્ણય લેવાની ક્ષમતાની કસોટી થશે.

ક્રિકેટનો અનુભવ બનશે મદદરૂપ

સહેવાગના જણાવ્યા મુજબ, લગભગ 20 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમણે અલગ-અલગ સ્વભાવના ખેલાડીઓ સાથે કામ કર્યું છે. ટેસ્ટમાં પરિસ્થિતિ પ્રમાણે ડિફેન્સ કરવું હોય કે વનડેમાં રમતની ગતિ બદલવી હોય, દરેક પરિસ્થિતિમાં અલગ અભિગમ જરૂરી હોય છે.

તેમણે કહ્યું કે લોકો સાથેના વ્યવહારમાં પણ આવું જ છે. કોઈ વ્યક્તિ શાંત હોય છે તો કોઈ આક્રમક, તેથી સામેની વ્યક્તિને સમજીને તેની સાથે વ્યવહાર કરવો પડે છે.

કન્ટેસ્ટન્ટ્સની વિચારસરણી સમજશે

સહેવાગે ‘રાઈઝ એન્ડ ફોલ’ને મનોવિજ્ઞાન સાથે જોડાયેલો શો ગણાવ્યો છે. કન્ટેસ્ટન્ટ્સના વર્તન અને તેમની વિચારસરણીને સમજ્યા બાદ તેમની સાથે કઈ રીતે વાત કરવી અને કઈ પરિસ્થિતિમાં કઈ વ્યૂહરચના અપનાવવી તે નક્કી કરવાનો પ્રયાસ કરશે.

શોના ‘અમીર અને ગરીબ’ના કન્સેપ્ટને પણ સહેવાગે રસપ્રદ ગણાવ્યો છે. રમતગમત અને મનોરંજન અલગ ક્ષેત્રો હોવા છતાં લોકોને સમજવાનો તેમનો અનુભવ આ નવી ભૂમિકામાં કામ લાગશે.

Leave a Comment