સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લોકાર્પણ-ખાતમુહૂર્ત, વયોશ્રી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ; અનેક કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવાર, 2 ઓગસ્ટે રાજકોટના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. હીરાસર એરપોર્ટ પર આગમન બાદ તેઓ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ ₹200 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના પ્રવાસને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી સૌપ્રથમ પુજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ મહાનગરપાલિકા અને યુનિવર્સિટીના વિવિધ વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ પ્રસંગે પમ્પિંગ હાઉસ, મટિરિયલ રિકવરી પ્લાન્ટ, નવા બ્રિજ, આરોગ્ય કેન્દ્રો, વોર્ડ ઓફિસો, માર્ગ અને ગટર વિકાસ સહિતના અનેક પ્રોજેક્ટોને લોકાર્પિત કરવામાં આવશે. સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી અને આરોગ્ય કેન્દ્રના નવા ભવનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન વયોશ્રી યોજના હેઠળ 800થી વધુ વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક સાધનોનું વિતરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ તેઓ શહેરના અન્ય કાર્યક્રમોમાં હાજરી આપીને સાંજે હીરાસર એરપોર્ટથી અમદાવાદ પરત ફરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મુખ્યમંત્રીનો આ પ્રથમ રાજકોટ પ્રવાસ હોવાથી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ માટે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ જિલ્લા તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.









