પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસરથી આયાતી LPGના પુરવઠામાં વિક્ષેપ સર્જાયા બાદ કેન્દ્ર સરકારે સ્થાનિક LPG ઉત્પાદન વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 13 ઓગસ્ટના આદેશથી પહેલીવાર 21 રિફાઇનરી અને અપસ્ટ્રીમ કંપનીઓ માટે કંપનીવાર LPG ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કર્યો છે.
સરકારે તમામ કંપનીઓને મળીને દરરોજ 63,810 ટન LPG ઉત્પાદન કરવાની ક્ષમતા નક્કી કરી છે. આ લક્ષ્યાંક નાણાકીય વર્ષ 2025-26ના સ્થાનિક LPG ઉત્પાદન કરતાં બમણાથી પણ વધુ છે અને દેશના દૈનિક વપરાશના લગભગ 70 ટકા જેટલો છે.
આયાત પર 64%થી વધુ નિર્ભરતા
નાણાકીય વર્ષ 2025-26માં દેશમાં આશરે 3.32 કરોડ ટન LPGનો વપરાશ થયો હતો. તેની સામે સ્થાનિક ઉત્પાદન માત્ર 1.31 કરોડ ટન રહ્યું હતું. માંગ પૂરી કરવા ભારતે આશરે 2.13 કરોડ ટન LPGની આયાત કરવી પડી હતી.
આથી ભારત પોતાની LPG જરૂરિયાતના 64 ટકાથી વધુ હિસ્સા માટે આયાત પર નિર્ભર છે. હોર્મુઝની સામુદ્રધુની મારફતે થતી આયાતમાં પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે વિક્ષેપ સર્જાતા હવે સરકારે સ્થાનિક ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે.
જામનગરની રિલાયન્સ રિફાઇનરીને સૌથી મોટો ટાર્ગેટ
સરકારના આદેશ હેઠળ Reliance Industries Limitedની જામનગર રિફાઇનરીને સૌથી મોટો ઉત્પાદન કોટા આપવામાં આવ્યો છે. જરૂરિયાત ઊભી થાય ત્યારે રિલાયન્સે પ્રતિદિન 18,000 ટન LPGનું ઉત્પાદન કરવાનું રહેશે.
રશિયાની રોસનેફ્ટ સમર્થિત નાયરા એનર્જીની વાડીનાર રિફાઇનરી માટે 4,480 ટન પ્રતિદિનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે જાહેર ક્ષેત્રની 18 રિફાઇનરીઓને મળીને 31,470 ટન પ્રતિદિન LPG ઉત્પાદનનો કોટા આપવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ આયાતમાં અડચણ આવે ત્યારે પણ દેશમાં રસોઈ ગેસનો પુરવઠો જળવાઈ રહે અને LPGની અછત ઊભી ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.









