ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સમગ્ર રાજ્યની વરસાદી સ્થિતિ અને રાહત-બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તમામ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું છે.
પ્રવક્તા મંત્રીના જણાવ્યા અનુસાર, ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા તેમજ રાહત અને બચાવ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાત લેશે.
મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓના સ્થાનિક તેમજ પ્રભારી મંત્રીઓને પણ તાત્કાલિક અસરથી સ્થળ મુલાકાત લેવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ વહીવટી તંત્રની કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન અને રાહત વ્યવસ્થાની વ્યક્તિગત સમીક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે.
બેઠકમાં રાજ્યમાં પર્યાવરણમૈત્રી પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રિક વાહનો માટે વ્યાપક EV ચાર્જિંગ સ્ટેશન પોલિસી તૈયાર કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને રાજ્ય માટે સર્વગ્રાહી અને સુદ્રઢ નીતિ તૈયાર કરવા સૂચના આપી છે, જેથી ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધુ વેગ મળી શકે.
રાજ્યમાં ભારે વરસાદ દરમિયાન દીવાલ ધરાશાયી થવી, વૃક્ષ પડવા અને વીજળી પડવા જેવી ઘટનાઓમાં અકાળે જીવ ગુમાવનારા 11 નાગરિકોને મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.









