પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદે BSFએ મોટી કાર્યવાહી કરીને રૂ.24.95 કરોડથી વધુની કિંમતનું 15.607 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન એક મહિલાની અટકાયત પણ કરવામાં આવી છે.
ગુપ્ત બાતમીના આધારે BSFની 32મી બટાલિયનના જવાનોએ બાનપુર બોર્ડર વિસ્તારમાં ખાસ વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે હિલચાલ કરતી એક મહિલાને જવાનોએ રોકી તેની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી સોનાનો જંગી જથ્થો મળી આવતા BSFના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
BSFના જણાવ્યા અનુસાર, ભારત-બાંગ્લાદેશ સરહદ પર તાજેતરના સમયમાં ઝડપાયેલા સૌથી મોટા સોનાના કન્સાઇનમેન્ટ પૈકી આ એક છે. જપ્ત કરાયેલા સોનાની કુલ કિંમત આશરે રૂ.24 કરોડ 95 લાખ 56 હજાર હોવાનું સામે આવ્યું છે.
હાલ મહિલાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેને સરહદ પારથી કોના સુધી પહોંચાડવાનું હતું અને સમગ્ર તસ્કરી પાછળ કોણ મુખ્ય સૂત્રધાર છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
તપાસ એજન્સીઓને આશંકા છે કે આ માત્ર એક વ્યક્તિનું કારસ્તાન નહીં પરંતુ સરહદ પાર સક્રિય આંતરરાષ્ટ્રીય સોનાની તસ્કરીના મોટા નેટવર્કનો ભાગ હોઈ શકે છે. આ ઘટના બાદ સરહદ વિસ્તારમાં સુરક્ષા અને સર્વેલન્સ વધુ કડક બનાવવામાં આવ્યું છે.
ઝડપાયેલી મહિલાને આગળની કાનૂની કાર્યવાહી માટે ક્રિષ્નાગંજ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.









