જામજોધપુર: જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. ગત સાંજે પડેલા ભારે વરસાદને કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 7થી 8 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા અને પાણીના વહેણ ધસમસતા બન્યા હતા.
બપોરે આશરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે ખરાવાડ વિસ્તારમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો હતો. આ દરમિયાન બે બાળકો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી.
પરંતુ નજીકમાં હાજર રહેલા બે સ્થાનિક યુવાનોએ અસાધારણ બહાદુરી અને સમયસૂચકતા દાખવી જીવના જોખમે પાણીમાં ઝંપલાવી બંને બાળકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર કરાયેલી આ બચાવ કામગીરીને કારણે બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો.
સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં સ્થાનિક લોકો બહાદુર યુવાનોના સાહસને બિરદાવી રહ્યા છે.
ભારે વરસાદને કારણે જામજોધપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે.









