ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટેની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (NFSA)ના મફત રાશનમાં મોટી ગેરરીતિ સામે આવી છે. કેન્દ્ર સરકારની ડેટા આધારિત તપાસમાં દેશભરમાં 2.44 કરોડ એવા લાભાર્થીઓ મળી આવ્યા છે, જેઓ યોજનાના નિયમો મુજબ પાત્ર નથી. વર્ષોથી અપાત્ર લોકો સરકારી રાશનનો લાભ લઈ રહ્યા હતા. હવે સરકાર તેમને યોજનામાંથી બહાર કરવાની કાર્યવાહી કરી રહી છે.
સરકારના આ નિર્ણયથી ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે રૂ.5,800 કરોડની બચત થવાની શક્યતા છે. એક વ્યક્તિને દર મહિને સરેરાશ રૂ.200નું રાશન આપવામાં આવે છે. એટલે કે વ્યક્તિ દીઠ વર્ષે આશરે રૂ.2,400ની સબસીડી થાય છે. 2.44 કરોડ અપાત્ર લાભાર્થીઓને દૂર કરવામાં આવે તો વાર્ષિક અંદાજે રૂ.5,856 કરોડની ખાદ્ય સબસીડી બચી શકે છે.
4.5 કરોડ લાભાર્થીઓના ડેટાનું ક્રોસ-વેરિફિકેશન
ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શંકાસ્પદ જણાયેલા આશરે 4.5 કરોડ લાભાર્થીઓના ડેટાની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. ઇનકમ ટેક્સ, GST નેટવર્ક, કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને પરિવહન વિભાગના ડેટાબેઝ સાથે વિગતોનું ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.
તપાસ બાદ 2.44 કરોડ લોકો અપાત્ર હોવાનું સામે આવ્યું છે. તેમની યાદી હવે સંબંધિત રાજ્ય સરકારોને મોકલવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે અંતિમ ચકાસણી પૂર્ણ થયા બાદ અપાત્ર લોકોના રાશન કાર્ડ રદ કરવામાં આવશે. આથી રાશન કોટામાં જગ્યા ખાલી થશે અને વાસ્તવિક જરૂરિયાતમંદ પરિવારોને યોજનાનો લાભ મળી શકશે.
IT ભરનારા અને GST વેપારીઓ પણ મફત રાશન લેતા હતા
તપાસમાં 56,22,619 ઇનકમ ટેક્સ ભરનારા લોકો રાશન યોજનાના લાભાર્થી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 7,21,343 GST રજીસ્ટર્ડ લોકો પણ લાભ લઈ રહ્યા હતા. સાથે જ 2,42,313 કંપની ડિરેક્ટર્સ અને 2,76,544 સરકારી કર્મચારીઓ પણ લાભાર્થીની યાદીમાં મળી આવ્યા છે.
આ સિવાય 10,77,631 લોકો પાસે બે અલગ રાશન કાર્ડ હોવાનું જાણવા મળ્યું છે. 3,01,978 લાભાર્થીઓની ઉંમર 100 વર્ષથી વધુ નોંધાયેલી છે, જ્યારે 1,58,16,217 લોકો મહિનાઓથી રાશન લઈ રહ્યા નહોતા. તપાસમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 1,13,094 અને ચાર પૈડાંવાળા વાહનના માલિક એવા 2,07,970 લાભાર્થીઓ પણ મળી આવ્યા છે.
કેન્દ્ર સરકાર હાલમાં NFSA હેઠળ દેશભરમાં આશરે 78 કરોડ લોકોને મફત રાશન આપી રહી છે. અગાઉ પણ આશરે 2.77 કરોડ બોગસ અને અપાત્ર લાભાર્થીઓને દૂર કરીને સરકારને રૂ.6,700 કરોડની બચત થઈ હતી.









