AK-47 અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હોવાનો ખુલાસો; ટાઈમર આધારિત બોમ્બ બનાવવાની માહિતી મેળવી, વડોદરામાં અજાણ્યા કાશ્મીરી સાથે ગુપ્ત બેઠક થઈ હોવાનો દાવો
અમદાવાદ: ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા પાંચ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારા નવા ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓમાંથી કેટલાકે AK-47 રાઇફલ અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી. ઉપરાંત તેઓએ ટાઈમર આધારિત બોમ્બ તૈયાર કરવાની પદ્ધતિ અને તેના પરીક્ષણ અંગે પણ માહિતી મેળવી હોવાનું તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું છે.
તપાસ દરમિયાન આરોપીઓનું વડોદરા કનેક્શન પણ સામે આવ્યું છે. પૂછપરછમાં એવી માહિતી મળી છે કે આરોપીઓએ વડોદરામાં એક અજાણ્યા કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ બેઠકનો હેતુ શું હતો, તેમાં શું ચર્ચા થઈ હતી અને તે વ્યક્તિની ઓળખ શું છે તે મુદ્દે ATS દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
એટીએસ હાલમાં આરોપીઓના મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ, ડિજિટલ ચેટ, કોલ ડિટેઇલ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાની સઘન તપાસ કરી રહી છે. સાથે જ વડોદરાની બેઠકનો આતંકી નેટવર્ક અથવા અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ સાથે કોઈ સંબંધ હતો કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
તપાસ એજન્સીઓ સમગ્ર મોડ્યુલ, તેની કામગીરીની પદ્ધતિ, ફંડિંગ, તાલીમ અને દેશવિરોધી ષડયંત્ર સાથે જોડાયેલી તમામ કડીઓ સુધી પહોંચવાના પ્રયાસમાં છે. ATS દ્વારા આ કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









