હોટેલ-રેસ્ટોરાં, કેટરર્સ અને ફૂડ વેન્ડરોને સીધો લાભ; ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હી: તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં કેન્દ્ર સરકારે વેપારી વર્ગને મોટી રાહત આપી છે. આજથી 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 200થી વધુનો ઘટાડો અમલમાં આવ્યો છે. આ નિર્ણયથી હોટેલ, રેસ્ટોરાં, કેટરિંગ સેવા, ફૂડ સ્ટોલ અને અન્ય વ્યાપારી ગ્રાહકોના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર રૂ. 202 સસ્તો થઈ રૂ. 2,879.50માં, જ્યારે કોલકાતામાં રૂ. 209ના ઘટાડા બાદ રૂ. 2,872.50માં મળશે. અન્ય શહેરોમાં પણ રૂ. 202થી રૂ. 209 સુધીનો ઘટાડો અમલમાં આવ્યો છે.
જોકે, 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના ભાવ પણ યથાવત રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ સળંગ બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષમાં આ સૌથી મોટો ભાવ ઘટાડો ગણાઈ રહ્યો છે.
શ્રાવણ માસ, જન્માષ્ટમી સહિતના તહેવારો અને વધતી વ્યાપારી પ્રવૃત્તિ વચ્ચે જાહેર કરાયેલા આ ભાવ ઘટાડાથી નાના વેપારીઓ, હોટેલ ઉદ્યોગ અને ફૂડ સર્વિસ ક્ષેત્રને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.









