નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોના ફ્યુઅલ સરચાર્જમાં 39 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં ઘટાડા બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે, જેના કારણે આગામી દિવસોમાં મુસાફરોને હવાઈ ભાડામાં રાહત મળવાની સંભાવના છે.
એર ઈન્ડિયાએ 1 જુલાઈથી અમુક આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ 280 ડોલરથી ઘટાડીને 125 ડોલર કરી દીધો છે. જોકે, સિંગાપોર, આફ્રિકા, મધ્ય પૂર્વ, ચીન સહિતના રૂટ માટે લાગુ 130 ડોલરનો ફ્યુઅલ સરચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે.
બીજી તરફ, 2,000 કિલોમીટર સુધીની ઘરેલુ ફ્લાઈટો પર 8 એપ્રિલથી લાગુ કરાયેલા ₹299થી ₹899 સુધીના ફ્યુઅલ સરચાર્જમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ પશ્ચિમ એશિયાના રૂટ પર અગાઉ અસ્થાયી રીતે બંધ કરાયેલી ફ્લાઈટો તબક્કાવાર ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. કોઝીકોડ–સલાલાહ સેવા 2 જુલાઈથી ફરી શરૂ થઈ છે, જ્યારે કોઝીકોડ–કુવૈત રૂટ 3 જુલાઈથી શરૂ થયો છે. બેંગલુરુ–કુવૈત ફ્લાઈટ 4 જુલાઈથી શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા ઉપરાંત ઈન્ડિગો પણ આગામી દિવસોમાં અસ્થાયી રીતે બંધ કરાયેલી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ફરી શરૂ કરવાની તૈયારીમાં છે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો અને ફ્લાઈટ સેવાઓ પુનઃ શરૂ થતાં આંતરરાષ્ટ્રીય મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.









