અંજાર: કચ્છના અંજાર પોલીસે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપીંડી આચરતા બે આરોપીઓને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપીઓએ રાજકોટના એક યુવક સાથે રૂ. 1.50 લાખના બદલે રૂ. 6 લાખ આપવાનું કહી છેતરપીંડી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આ કેસમાં અલીઅબ્બાસ કાશમશા શેખ અને મહમદરઝાક શેખની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ. 1.50 લાખની રોકડ રકમ, એક કાર અને બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ વધુ નફાની લાલચ આપી લોકોને પોતાના જાળમાં ફસાવતા હતા અને રૂપિયા ડબલ કરવાની ખોટી વાતો કરીને છેતરપીંડી આચરતા હતા. ફરિયાદના આધારે અંજાર પોલીસે કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કેસમાં સંડોવાયેલા ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે. સાથે જ આરોપીઓએ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી જ પ્રકારની છેતરપીંડી કરી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.









