મુંબઈ: વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ પૈકીના એક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આવક વધારવા માટે નવી સ્પોન્સરશિપ ડીલ ફાઇનલ કરી છે. આ કરાર હેઠળ ભારતની ધરતી પર રમાનારી 35 આંતરરાષ્ટ્રીય હોમ મેચો માટે બોર્ડને પ્રતિ મેચ આશરે ₹3.71 કરોડની આવક થશે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ કરાર માર્ચ 2028 સુધી અમલમાં રહેશે. 35 મેચોના આ કરારથી BCCIને કુલ આશરે ₹129.85 કરોડની આવક થવાની છે. આ ડીલ હેઠળ બોર્ડે ત્રણ કંપનીઓને નવા એસોસિએટ પાર્ટનર તરીકે જોડ્યા છે.
નવી ડીલમાં રિલાયન્સની સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલાએ પ્રતિ મેચ ₹1.31 કરોડની સૌથી મોટી બોલી લગાવી છે. જ્યારે SBI Life અને ChatGPT દ્વારા પ્રતિ મેચ આશરે ₹1.20 કરોડ ચૂકવવામાં આવશે. હવે ભારતમાં રમાનારી આંતરરાષ્ટ્રીય મેચોના કવરેજ દરમિયાન આ ત્રણેય બ્રાન્ડના નામ અને લોગો જોવા મળશે.
એસોસિએટ પાર્ટનર્સની પસંદગી થઈ ગઈ હોવા છતાં BCCI હજુ પણ પોતાના મુખ્ય ટાઇટલ સ્પોન્સરની શોધમાં છે. બોર્ડે જુલાઈમાં ટાઇટલ સ્પોન્સર અને એસોસિએટ પાર્ટનર્સ માટે બિડ મંગાવી હતી.
ટાઇટલ સ્પોન્સર અંગે નિર્ણયમાં વિલંબ થતાં એસોસિએટ પાર્ટનર્સ માટેની બિડિંગની અંતિમ તારીખ લંબાવીને 7 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. હવે ત્રણ એસોસિએટ પાર્ટનર્સ ફાઇનલ થયા બાદ BCCI ટૂંક સમયમાં મુખ્ય ટાઇટલ સ્પોન્સરની જાહેરાત કરે તેવી શક્યતા છે.









