કચ્છમાં વરસાદી અછત વચ્ચે ઉચ્ચસ્તરીય સમીક્ષા: પાણી, ઘાસચારો અને વીજળી મુદ્દે તંત્રને એલર્ટ મોડમાં રહેવા સૂચના

કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક; રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં ધારાસભ્યોએ રજૂ કર્યા પ્રજાલક્ષી પ્રશ્નો

ભુજ: કચ્છ જિલ્લામાં વરસાદની અછતને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લાના ધારાસભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પાણી, ઘાસચારો, વીજ પુરવઠો, નર્મદા પાણી, માર્ગો અને ગૌચર જમીન સહિતના અનેક જનહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારોમાં પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓ રજૂ કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી હતી. ખાસ કરીને પીવાના પાણીની ઉપલબ્ધતા, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા અને નર્મદા પાણીના વિતરણ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.

કલેક્ટરે વરસાદની અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. કોઈપણ પરિસ્થિતિમાં લોકોને મૂળભૂત સુવિધાઓનો અભાવ ન સર્જાય તે માટે સતત મોનીટરીંગ રાખવા અને જરૂરી નિર્ણય તાત્કાલિક અમલમાં મૂકવા ભાર મૂકાયો હતો.

બેઠક દરમિયાન પાણીની ચોરી રોકવા માટે નિયમિત ચેકિંગ ઝુંબેશ ચલાવવા, ગેરકાયદે કનેક્શનો સામે કાર્યવાહી કરવા તેમજ પીવાના પાણીના સમાન વિતરણની ખાતરી કરવા સંબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જિલ્લામાં વધતી રખડતા પશુઓની સમસ્યાને ધ્યાનમાં રાખી વિશેષ અભિયાન હાથ ધરવા, ગૌચર જમીનનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા અને માર્ગ સુવિધાઓમાં સુધારો લાવવા માટે પણ સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકના અંતે જિલ્લા વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું હતું કે વરસાદની અછત વચ્ચે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તમામ વિભાગો સંકલનપૂર્વક કામગીરી કરીને લોકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.

Leave a Comment

Traffic Tail