અમદાવાદ: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી ભદ્ર સ્થિત સિટી સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્ક અશોક માધવલાલ પટેલને ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદીના ઘરની બાજુમાં આવેલી કોમન કમ્પાઉન્ડ દિવાલને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે આરોપી આસિસ્ટન્ટ ક્લાર્કે ₹10 હજારની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ સમગ્ર મામલે અમદાવાદ ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ નારણપુરાના ધરતી સર્કલ નજીક છટકું ગોઠવ્યું હતું. પૂર્વ આયોજન મુજબ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે અશોક માધવલાલ પટેલને રંગેહાથ ઝડપી લીધો હતો.
ACBએ આરોપીની ધરપકડ કરીને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આરોપીએ અગાઉ પણ આવી રીતે લાંચ લીધી છે કે કેમ અને અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









