બ્રિકસ સંમેલન પહેલાં દિલ્હી છાવણીમાં ફેરવાયું : આકાશથી જમીન સુધી જડબેસલાક સુરક્ષા

પુતિન-શી જિનપિંગ સહિત વૈશ્વિક નેતાઓનું આગમન; ભારત મંડપમ અને 11 હોટેલ પર NSGનું ખાસ કવચ

નવી દિલ્હી: તા. 12 અને 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારા બ્રિકસ શિખર સંમેલનને લઈને પાટનગરમાં સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ રીતે મજબૂત બનાવવામાં આવી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક દેશોના રાષ્ટ્રવડાઓ અને પ્રતિનિધિઓના આગમનને ધ્યાનમાં રાખીને દિલ્હીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

સંમેલનના મુખ્ય સ્થળ ભારત મંડપમ તેમજ વિદેશી મહાનુભાવો રોકાવાના 11 હોટેલની સુરક્ષાની જવાબદારી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) સહિતની સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવી છે. સમગ્ર વ્યવસ્થા હેઠળ સુરક્ષા દળો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

‘બ્રિકસ કવચ’ હેઠળ હાઈ એલર્ટ

સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે ત્રણ કલાકની મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી. તેમાં આશરે 100 NSG કમાન્ડો તથા અન્ય સુરક્ષા કર્મચારીઓ અને 100 જેટલા વાહનો સામેલ થયા હતા.

જવાહરલાલ નેહરુ સ્ટેડિયમથી ભારત મંડપમ તથા આર્મી પોલો ગ્રાઉન્ડ તરફ જતા માર્ગો પર પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. તાજ હોટેલ, ITC મૌર્ય, લી મેરિડિયન, ક્લેરિઅન્સ અને ધ અશોકા સહિત 11 હોટેલને હાઈ-સિક્યુરિટી ઝોનમાં મૂકવામાં આવી છે.

NSG ઉપરાંત દિલ્હી પોલીસ, કેન્દ્રીય સુરક્ષા દળો અને અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમો તૈનાત કરવામાં આવી છે. તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન માટે અલગ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

આકાશની સુરક્ષા વાયુસેનાના હવાલે

વિદેશી મહાનુભાવોની પોતાની સુરક્ષા ટીમો પણ દિલ્હી પહોંચી ગઈ છે. રાષ્ટ્રવડાઓના વાહનો, સંદેશાવ્યવહાર અને આવાગમન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર પણ વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે.

સંમેલન દરમિયાન આકાશી સુરક્ષાની મહત્વપૂર્ણ જવાબદારી ભારતીય હવાઈદળને સોંપવામાં આવી છે. બીજી તરફ હૈદરાબાદ હાઉસ અને રાષ્ટ્રપતિ ભવન ખાતે દ્વિપક્ષીય બેઠકો તથા અન્ય કાર્યક્રમો માટે પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

સાત વર્ષ બાદ શી જિનપિંગનું ભારત આગમન

બ્રિકસ સંમેલનને કારણે દિલ્હી આગામી દિવસોમાં વૈશ્વિક કૂટનીતિનું કેન્દ્ર બનશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી રહ્યા છે. ભારત-ચીન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે શી જિનપિંગનું સાત વર્ષ બાદ ભારત આગમન ખાસ મહત્વ ધરાવે છે.

સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પુતિન અને શી જિનપિંગની મુલાકાત ઉપરાંત વિવિધ દ્વિપક્ષીય બેઠકો યોજાશે. વેપાર સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. બ્રિકસની મુખ્ય બેઠક પહેલાં દિલ્હીમાં આમંત્રિત દેશોના પ્રતિનિધિઓની ઔપચારિક બેઠકોનો પણ પ્રારંભ થશે.

Leave a Comment

Traffic Tail