સોનમ વાંગચૂક બાદ અભિજીત દીપક ઉપવાસ પર બેઠા: જંતર-મંતરથી આંદોલનને મળ્યો નવો વેગ

સંસદ ભવન તરફ કૂચની જાહેરાત યથાવત; રાજકીય માહોલ ગરમાયો, પોલીસ કાર્યવાહી પર પણ ઉઠ્યા સવાલ

નવી દિલ્હી: સોનમ વાંગચૂકને લાંબા ઉપવાસ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી હવે આંદોલનનું નેતૃત્વ કાર્યકર અભિજીત દીપકે સંભાળ્યું છે. તેમણે જંતર-મંતર ખાતે અનિશ્ચિત ઉપવાસ શરૂ કરતાં વિરોધ પ્રદર્શનને ફરી નવી દિશા મળી છે.

જંતર-મંતર વિસ્તાર ખાલી કરાવ્યા બાદ પણ મોટી સંખ્યામાં સમર્થકો ફરી એકત્ર થતાં રાજધાનીમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. અભિજીત દીપકે જણાવ્યું કે આંદોલન કોઈપણ સંજોગોમાં અટકશે નહીં અને સંસદ ભવન તરફ કૂચ કરવાનો અગાઉ જાહેર કરાયેલ કાર્યક્રમ પણ યથાવત રહેશે.

તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેમની માંગ શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી મર્યાદિત હતી, પરંતુ હવે આ સમગ્ર મામલે વડાપ્રધાનના રાજીનામાની પણ માંગ કરવામાં આવશે.

બીજી તરફ, પોલીસ દ્વારા આંદોલનકારીઓને હટાવવાની કાર્યવાહી દરમિયાનના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. કેટલાક આંદોલનકારીઓએ બળપ્રયોગના આક્ષેપો કર્યા છે, જ્યારે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે સમગ્ર કાર્યવાહી કાયદા મુજબ અને સંપૂર્ણ સંયમ સાથે કરવામાં આવી હતી.

રાજધાનીમાં વધતા વિરોધને ધ્યાનમાં રાખીને જંતર-મંતર અને સંસદ ભવન આસપાસ સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાને પગલે પ્રશાસન એલર્ટ પર છે.

Leave a Comment

Traffic Tail