કચ્છના દરિયામાં 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું

કચ્છના દરિયામાં 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું

ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

કચ્છના દરિયામાં ફરી એકવાર નશાના મોટા જથ્થા સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમે મધ દરિયામાં વિશાળ ઓપરેશન હાથ ધરી અંદાજે 1 હજાર કરોડ રૂપિયાનું 115 કિલો કોકેઈન ઝડપી પાડ્યું છે.

મળતી માહિતી મુજબ આ ડ્રગ્સ બ્રાઝીલથી કરાંચી મારફતે દરિયાઈ માર્ગે ભારતમાં લાવવામાં આવી રહ્યું હતું અને અંતે દિલ્હી સુધી પહોંચાડવાની યોજના હતી. ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે મધ દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન યુરોપના MSC નામના જહાજને રોકીને સઘન ચકાસણી કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન અંદાજે 110 થી 115 કિલો જેટલું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સર્ચ દરમિયાન સેટેલાઇટ ફોન પણ મળી આવ્યા છે, જેના આધારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહી દરમિયાન ATSએ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. જેમાં બે નાઈજીરિયન નાગરિકો સહિત જુમા નાસીર ઓમાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી દરિયામાં કૂદી ગયો હોવાની માહિતી સામે આવી છે. દિલ્હી સાથે જોડાયેલા કેલ્વિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સ નામના શખ્સો ડ્રગ્સની ડિલિવરી લેવા આવવાના હતા એવી માહિતી પણ તપાસમાં બહાર આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોટા જહાજમાંથી નાની બોટમાં ડ્રગ્સ ટ્રાન્સફર કરવાની યોજના બનાવાઈ હતી. સમગ્ર નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કસ્ટમ વિભાગ અને ATS દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ગુજરાતને કોઈપણ કિંમતે ડ્રગ્સનું ગેટવે બનવા દેવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કચ્છના મુન્દ્રા વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ફરી એકવાર થયેલી આ મોટી કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

Traffic Tail