શ્રીલંકાને 147 રને હરાવી ભારતની મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન

216/3નો રેકોર્ડ સ્કોર, શ્રીલંકા 69 રનમાં ઓલઆઉટ; મંધાના 79 અને રિચા ઘોષના 49 રન

એશિયન ગેમ્સ 2026માં ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા ક્રિકેટની ફાઇનલમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતે શ્રીલંકાને 147 રને હરાવી સતત બીજી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 216 રનનો એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટનો રેકોર્ડ સ્કોર નોંધાવ્યો. સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 79 અને શેફાલી વર્માએ 29 બોલમાં 48 રન ફટકાર્યા, જ્યારે રિચા ઘોષે માત્ર 22 બોલમાં અણનમ 49 રન બનાવ્યા.

217 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે માત્ર 69 રનમાં 15.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી, જ્યારે શેફાલી વર્મા, શ્રી ચરાણી અને શ્રેયંકા પાટીલે 2-2 વિકેટ ઝડપી હતી.

આ જીત સાથે ભારતે 2023ના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં જીતેલું મહિલા ક્રિકેટનું ગોલ્ડ ફરી જાળવી રાખ્યું છે. મંધાનાએ 79 રનની ઇનિંગ્સ દરમિયાન 11 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર બનવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો.

Leave a Comment