UAEમાં કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંદાપુરના રહેવાસી એલ્વિન પ્રકાશ કુંદરની કથિત હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહેવાલ મુજબ, ઓમાન તરફ જતા માર્ગ પર એક કારમાંથી એલ્વિનનો મૃતદેહ 9 ટુકડામાં મળી આવ્યો હતો. મૃતદેહને બે બેગમાં રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
એલ્વિન છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર નોકરી કરતો હતો. 20 જુલાઈએ તેના ભાઈ અનિલે ફોન કર્યો હતો, પરંતુ એલ્વિને ફોન રિસીવ કર્યો નહોતો અને મેસેજ કરીને પોતે ઠીક હોવાનું જણાવ્યું હતું. આ મેસેજથી પરિવારને શંકા ગઈ હતી.
ત્યારબાદ અનિલે એલ્વિનના મિત્રનો સંપર્ક કરી તેની શોધખોળ શરૂ કરાવી હતી. કંપની તરફથી એલ્વિન ભારત પરત ફર્યો હોવાનું જણાવાયું હતું, પરંતુ પરિવારને તે ભારત પહોંચ્યો હોવાની કોઈ માહિતી નહોતી. બાદમાં પાસપોર્ટ રેકોર્ડની તપાસ કરતાં એલ્વિન શારજાહમાં જ હોવાનું સામે આવ્યું હતું.
એલ્વિનના ગુમ થવાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. જોકે, હત્યા પાછળનું કારણ, આરોપીઓ અને ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી.
એલ્વિનની પત્ની અને પુત્ર પણ હાલ લાપતા હોવાનું પરિવાર તરફથી જણાવાયું છે. તેઓ ક્યાં છે તે અંગે પણ સત્તાવાર માહિતી મળી નથી. એલ્વિનના ભાઈએ ઉડુપીના પોલીસ અધિક્ષકને રજૂઆત કરી તપાસમાં સહયોગની માંગ કરી છે. UAEની તપાસ એજન્સીઓની કાર્યવાહી બાદ સમગ્ર મામલે વધુ ખુલાસો થવાની શક્યતા છે.








