એકતાનગરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન; અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન
એકતાનગર (કેવડિયા), તા. 23: એકતાનગર ખાતે યોજાયેલા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ કેટેગરીના વિજેતાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતીય સિનેમા દેશની વિવિધ ભાષાઓ, પરંપરાઓ, સંઘર્ષો અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને ભારતીય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
રાષ્ટ્રપતિએ ફિલ્મ નિર્માણને સામૂહિક પ્રયાસ ગણાવીને એવોર્ડ વિજેતાઓને ફિલ્મની સફળતા પાછળ મહેનત કરનારા દરેક કલાકાર, ટેકનિશિયન અને સહાયકનો આભાર માનવા જણાવ્યું હતું. તેમણે સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા નાના કલાકારો, કામદારો અને સહાયકો માટે સન્માન તથા સામાજિક સુરક્ષાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
સમારોહમાં દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગને વર્ષ 2024નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પાંચ દાયકાથી વધુ સમયથી થિયેટર અને ભારતીય સિનેમામાં આપેલા યોગદાન બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે.
પુરસ્કાર સ્વીકારતા અનંત નાગે પોતાની કારકિર્દીની શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે થિયેટર તેમની કારકિર્દીનો પાયો બન્યું હતું અને ફિલ્મ જગતમાં પ્રવેશતા પહેલાં તેમણે અનેક નાટકોમાં અભિનય કર્યો હતો. ત્યારબાદ શ્યામ બેનેગલ જેવા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવાની તક મળી હતી. તેમણે કન્નડ સિનેમાને પોતાની કર્મભૂમિ બનાવી અને લાંબી કારકિર્દીમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.
યામી ગૌતમને પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર
‘આર્ટિકલ 370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ માટે યામી ગૌતમને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. આ તેમનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે. ફિલ્મના દિગ્દર્શક અને યામીના પતિ આદિત્ય ધરને પણ આ ફિલ્મ માટે સન્માન મળ્યું હતું.
‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યન અને ‘બ્રહ્મયુગમ’ માટે મામૂટીને સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ‘ભક્ષક’ માટે સંજય મિશ્રાને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ધનુષને સ્પેશિયલ મેન્શન કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત માટે ગૌરવની ક્ષણ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એકતાનગર ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજવા બદલ માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સિનેમા દેશની વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓને જોડવાનું શક્તિશાળી માધ્યમ છે. તેમણે ફિલ્મ નિર્માતાઓને પ્રેમ, ભાઈચારો, રાષ્ટ્રીય એકતા, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ જાગૃતિ જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમારોહમાં રાષ્ટ્રપતિ અને તમામ મહેમાનોનું ગુજરાતમાં સ્વાગત કર્યું હતું. તેમણે સિનેમાને સમાજનું પ્રતિબિંબ અને સંસ્કૃતિનું વાહક ગણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ભારતીય સિનેમા દેશની વૈશ્વિક ઓળખ અને સોફ્ટ પાવરને મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવે છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સિનેમા એક ટીમ પ્રયાસ છે અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પડદા પાછળ કામ કરનારા લોકોના યોગદાનને પણ માન્યતા આપવામાં આવે છે. તેમણે નાના શહેરોમાં રહેલી પ્રતિભાને શોધી તેને આગળ લાવવા ફિલ્મ જગતને અપીલ કરી હતી.
કલાકારોને રાષ્ટ્રપતિની ખાસ અપીલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકપ્રિય ફિલ્મ કલાકારોને ખાસ અપીલ કરતાં કહ્યું હતું કે ફિલ્મી કલાકારોનો ખાસ કરીને બાળકો અને યુવાનો પર મોટો પ્રભાવ પડે છે. તેથી લોકપ્રિય કલાકારોએ અનુશાસિત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું જોઈએ તથા સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોના પ્રચારથી દૂર રહેવું જોઈએ, તેવી તેમણે અપીલ કરી હતી.
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે 34 ભાષાની 400 ફીચર ફિલ્મો અને 24 ભાષાની 161 નોન-ફીચર ફિલ્મો પ્રાપ્ત થઈ હતી. એકતાનગરમાં યોજાયેલા આ સમારોહમાં ભારતીય સિનેમાની વિવિધતા અને પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવી હતી.








