‘ધુરંધર’ અને ‘બોર્ડર-2’ને પાછળ છોડી મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ ઓસ્કારની રેસમાં

મુંબઈ : 99મા એકેડેમી એવોર્ડ્સ માટે ભારત તરફથી મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયાની 14 સભ્યોની પસંદગી સમિતિએ દેશભરમાંથી આવેલી 33 ફિલ્મોમાંથી ‘ગોંધળ’ની પસંદગી કરી છે.

આ વખતે ભારતની સત્તાવાર એન્ટ્રી માટે ‘બોર્ડર-2’, ‘ધુરંધર’, ‘ઇક્કીસ’ અને ‘અંગ’ સહિતની ફિલ્મો વચ્ચે સ્પર્ધા હતી. તમામ ફિલ્મોના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કર્યા બાદ જ્યુરીએ દિગ્દર્શક સંતોષ દવખરની ‘ગોંધળ’ને પસંદ કરી.

મહારાષ્ટ્રની પરંપરાગત લોકવિધિ ‘ગોંધળ’ પર આધારિત આ ફિલ્મમાં સંગીત, નૃત્ય અને પૌરાણિક કથાઓની પૃષ્ઠભૂમિ સાથે માનવીય સંબંધો અને ગામડાના આંતરિક સંઘર્ષને રજૂ કરવામાં આવ્યો છે. લગ્નના પ્રસંગથી શરૂ થતી વાર્તા આગળ જતાં ઈર્ષ્યા, વાસના અને વિશ્વાસઘાત જેવા મુદ્દાઓને સ્પર્શે છે.

ફિલ્મનું પ્રીમિયર ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. અહીં ‘ગોંધળ’ને સ્પેશિયલ જ્યુરી રિકગ્નિશન માટે સિલ્વર પીકોક એવોર્ડ મળ્યો હતો. આ સાથે ‘ગોંધળ’ ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બનનારી ચોથી મરાઠી ફિલ્મ બની છે. અગાઉ ‘શ્વાસ’, ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’ અને ‘કોર્ટ’ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી મળ્યા બાદ હવે ‘ગોંધળ’ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીની આગામી પસંદગી પ્રક્રિયામાં જશે. એકેડેમી દ્વારા પહેલા 15 ફિલ્મોની શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ 5 ફિલ્મોને નોમિનેશન મળશે. 99મા એકેડેમી એવોર્ડ્સનું આયોજન 14 માર્ચ 2027ના રોજ થવાનું છે.

Leave a Comment

Traffic Tail