દુબઈ જતી સ્પાઈસ જેટની બે ફ્લાઈટમાં વિલંબથી રોષ: એરલાઈન સ્ટાફ સામે મુસાફરોના સવાલો
નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટથી દુબઈ જતી સ્પાઈસ જેટની બે ફ્લાઈટ 24 કલાકથી વધુ સમય સુધી મોડી પડતાં મુસાફરો ભારે પરેશાન થયા હતા. લાંબી રાહ બાદ મુસાફરોએ એરપોર્ટ પર જ જમીન પર બેસીને ધરણાં-પ્રદર્શન શરૂ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, એક ફ્લાઈટ સોમવારે સવારે દુબઈ જવા રવાના થવાની હતી, જ્યારે બીજી ફ્લાઈટ સોમવારે રાત્રે ઉડાન ભરવાની હતી. જોકે બંને ફ્લાઈટ સમયસર ટેકઓફ ન થતાં મુસાફરોની મુશ્કેલી વધી હતી.
મુસાફરોનો આક્ષેપ હતો કે ફ્લાઈટમાં વિલંબ અંગે યોગ્ય માહિતી આપવામાં આવી રહી નહોતી. આ દરમિયાન એરલાઈનનો કોઈ કર્મચારી મુસાફરોની ફરિયાદ સાંભળવા માટે હાજર ન હોવાનું પણ જણાવાયું છે. અંતે મુસાફરોએ એરપોર્ટ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો.
એક દિવસ પહેલાં પણ એસી બંધ થતાં મુસાફરો અકળાયા
સ્પાઈસ જેટની કામગીરીને લઈને આ પ્રકારની મુશ્કેલીનો બીજો બનાવ પણ સામે આવ્યો છે. રવિવારે દિલ્હીથી ગોરખપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ રનવે પર ઊભી હતી ત્યારે અચાનક એસી બંધ થઈ ગયું હતું.
એસી બંધ થતાં વિમાનમાં ભારે ગરમી થઈ ગઈ હતી અને મુસાફરોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગરમીથી બચવા મુસાફરોએ પુસ્તકો અને મેગેઝીનથી પંખો બનાવીને હવા કરવી પડી હતી. લગભગ બે કલાક સુધી મુસાફરોને એસી વગરના વિમાનમાં બેસી રહેવું પડ્યું હતું.









