કિવથી પરત ફરી રહેલી ટ્રેનને સમય કરતાં વહેલી રવાના કરાઈ હતી : પોલેન્ડ સરહદથી માત્ર 2 કિમી દૂર ડ્રોન હુમલો
મોસ્કો : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનની રાજધાની કિવથી પોલેન્ડ તરફ પરત ફરી રહેલી ડિપ્લોમેટિક ટ્રેન રશિયન ડ્રોન હુમલાથી બચી ગઈ હોવાના અહેવાલ છે. ટ્રેનમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરીસ જોન્સન, સ્વીડનના પૂર્વ વડાપ્રધાન કાર્લ બિલ્ડટ સહિત યુરોપના અનેક રાજદ્વારી નેતાઓ સવાર હતા.
આ નેતાઓ કિવમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. યુક્રેનની સરહદ પાર કર્યા બાદ પોલેન્ડની સરહદથી આશરે 2 કિમી દૂર રશિયન ડ્રોન હુમલો થયો હતો. જોકે, ટ્રેનને કોઈ નુકસાન થયું ન હતું.
સ્વીડનના પૂર્વ વડાપ્રધાન કાર્લ બિલ્ડટે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમની ટ્રેન હુમલાની ઝપેટમાં આવી નહોતી. તેમના જણાવ્યા મુજબ, સરહદ પાર કર્યાના લગભગ એક મિનિટ બાદ જ હુમલો થયો હતો.
યુક્રેનિયન સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને ડિપ્લોમેટિક ટ્રેનને તેના નિર્ધારિત સમય કરતાં વહેલી રવાના કરવામાં આવી હતી. યુક્રેનનો દાવો છે કે રશિયન ડ્રોનનો સંભવિત નિશાન આ ટ્રેન જ હતી.
બોરીસ જોન્સને પણ ટ્રેન વહેલી રવાના કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે હુમલાને બિનજરૂરી અને ગંભીર ઘટના ગણાવી હતી. પોલેન્ડના વિદેશમંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કીએ પણ પોલેન્ડની સરહદ નજીક થયેલા હુમલાને ઉશ્કેરણીજનક ગણાવ્યો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સરહદ નજીક બનેલી આ ઘટનાએ યુરોપિયન ડિપ્લોમેટ્સની સુરક્ષા અંગે ચિંતા વધારી છે.









