નવી દિલ્હીઃ મોબાઈલ સિમકાર્ડ ખરીદતી વખતે ગ્રાહક પોતાના ફિંગરપ્રિન્ટ સહિતના બાયોમેટ્રિક ડેટા આપતો હોય છે. આ પ્રક્રિયાને સુરક્ષિત માનીને ગ્રાહકો નિશ્ચિંત રહે છે, પરંતુ હવે આ જ બાયોમેટ્રિક ડેટાનો દુરુપયોગ કરીને અન્ય વ્યક્તિના નામે સિમકાર્ડ ઈસ્યુ કરવાની સાયબર ક્રાઈમની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
CBIની તપાસમાં 1300થી વધુ સિમકાર્ડ ફર્જી બાયોમેટ્રિકના આધારે ઈસ્યુ કરાયા હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે તેમાંથી 73 સિમકાર્ડનો ઉપયોગ સાયબર ગુનાઓમાં થયો હતો. તપાસમાં એરટેલના એક એરિયા ડિસ્ટ્રીબ્યુટરની પણ ધરપકડ કરવામાં આવી છે.
નેટવર્કની આડમાં બાયોમેટ્રિકનો ખેલ
આ મોડસ ઓપરેન્ડીમાં ગ્રાહક સિમકાર્ડ લેવા માટે આવે ત્યારે નેટવર્ક અથવા ટેકનિકલ ખામીનું બહાનું બતાવીને તેનું બાયોમેટ્રિક એકથી વધુ વખત લેવામાં આવતું હતું. એક જ ગ્રાહકના 3થી 4 વખત બાયોમેટ્રિક લઈને તેનો ઉપયોગ અલગ મોબાઈલ નંબરના સિમકાર્ડ ઈસ્યુ કરવા માટે કરવામાં આવતો હતો.
આ રીતે પોતાના બાયોમેટ્રિકથી અન્ય સિમકાર્ડ ઈસ્યુ થયાની જાણ ગ્રાહકને પણ થતી નહોતી. તપાસમાં ચીનના નાગરિકોના બાયોમેટ્રિકનો ઉપયોગ કરીને સિમકાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.
સિમબોક્સથી વિદેશી કોલને લોકલ બતાવવાની કરામત
સાયબર ગુનેગારો દ્વારા સિમબોક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સિમબોક્સમાં એકસાથે મોટી સંખ્યામાં સિમકાર્ડનો ઉપયોગ કરી શકાય છે. તેના મારફતે વિદેશથી આવતા કોલને સ્થાનિક નંબર પરથી આવતા કોલ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ પ્રકારના સિમકાર્ડનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ગુનાઓમાં થયો હોવાનું CBIની તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર નેટવર્કની કડીઓ બિહાર અને ઓડિશા સુધી જોડાયેલી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
1300 સિમમાંથી 73નો ગુનામાં ઉપયોગ
CBIની તપાસ મુજબ આરોપી ડિસ્ટ્રીબ્યુટર દ્વારા આ રીતે 1300થી વધુ સિમકાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતા, જેમાંથી 73 સિમકાર્ડ સાયબર ક્રાઈમ માટે ઉપયોગમાં લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ખુલાસાએ સિમકાર્ડ મેળવવા માટેની બાયોમેટ્રિક આધારિત પ્રક્રિયામાં ડેટાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.









