9/11 પહેલાં ભારત પર પણ હુમલાની લાદેનની નજર : CIAના દસ્તાવેજમાં મોટો ખુલાસો

ભારત સહિત 8 દેશોને નિશાન બનાવવાની યોજના : કયા સ્થળે હુમલો કરવાનો હતો તેની ચોક્કસ માહિતી જાહેર થઈ નથી

ઓસામા બિન લાદેનના આતંકવાદી સંગઠન અલ-કાયદાએ 9/11ના હુમલા પહેલાં ભારત સહિત અનેક દેશોને નિશાન બનાવવાની યોજના ઘડી હતી. અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરાયેલા 1998ના એક દસ્તાવેજમાં બિન લાદેનના આતંકી નેટવર્ક અંગે આ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

28 ઓગસ્ટ 1998ના અહેવાલમાં બિન લાદેન ભારત સહિત વિવિધ દેશોમાં આતંકી હુમલા કરાવવા માગતો હોવાનો ઉલ્લેખ છે. જોકે, ભારતમાં કયા સ્થળને નિશાન બનાવવાનું હતું અથવા હુમલો ક્યારે કરવાનો હતો તે અંગે દસ્તાવેજમાં કોઈ ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.

8 દેશો લાદેનના નિશાન પર

CIAના અહેવાલ મુજબ ભારત ઉપરાંત પાકિસ્તાન, ઇજિપ્ત, કુવૈત, સાઉદી અરેબિયા, યમન અને યુગાન્ડા સહિત કુલ 8 દેશોમાં હુમલાની યોજના હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતમાં હુમલાના કાવતરા અંગેની બાકીની માહિતી જોકે જાહેર કરવામાં આવી નથી.

100થી વધુ પાનાના આ દસ્તાવેજનું શીર્ષક ‘બિન લાદેનનું આતંકી નેટવર્ક હજુ પણ ખતરો છે’ હતું. દસ્તાવેજના કેટલાક ભાગોને જાહેર કરવામાં આવ્યા નથી અને ગુપ્ત માહિતી કયા સ્ત્રોતથી મળી હતી તેની વિગતો પણ છુપાવવામાં આવી છે.

60થી વધુ દેશોમાં આતંકી નેટવર્ક

રિપોર્ટ અનુસાર બિન લાદેનનું નેટવર્ક ઓછામાં ઓછા 60 દેશોમાં ફેલાયેલું હતું. પોતાના માણસો ઉપરાંત અન્ય આતંકવાદી સંગઠનોની મદદથી તે વિવિધ દેશોમાં હુમલા કરાવી શકે તેવી ક્ષમતા ધરાવતો હતો.

CIAએ 1998થી 2001 દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને ત્યારબાદ જ્યોર્જ ડબલ્યુ. બુશના કાર્યકાળ દરમિયાન બિન લાદેન તથા અલ-કાયદાથી ઊભા થયેલા ખતરા અંગે અનેક વખત માહિતી આપી હતી.

11 સપ્ટેમ્બર 2001નો હુમલો દુનિયાને હચમચાવી ગયો

11 સપ્ટેમ્બર 2001ના રોજ અલ-કાયદાના 19 આતંકવાદીઓએ ચાર પેસેન્જર વિમાનો હાઇજેક કર્યા હતા. બે વિમાનો ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે અથડાયા અને બંને ઇમારતો ધરાશાયી થઈ હતી.

ત્રીજું વિમાન વોશિંગ્ટન નજીક પેન્ટાગન સાથે અથડાયું હતું, જ્યારે ચોથું વિમાન પેન્સિલવેનિયામાં તૂટી પડ્યું હતું. 9/11ના આ ભયાનક આતંકી હુમલામાં લગભગ 3 હજાર લોકોનાં મોત થયા હતા.

Leave a Comment

Traffic Tail