ભાવનગરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ : રેલવે કર્મચારી સહિત 3 આરોપી ઝબ્બે

ક્વાર્ટરમાં ધમધમતો હતો નકલી વિદેશી દારૂનો કારોબાર : રૂ.1.01 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણેયના 5 દિવસના રિમાન્ડ

ભાવનગર શહેરની રેલવે કોલોનીમાં એલસીબીએ દરોડો પાડી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. લોકોટાંકી નજીક આવેલા ક્વાર્ટર નં.70/એમાંથી નકલી દારૂની બોટલો, વિવિધ બ્રાન્ડના લેબલ-સ્ટીકરો, મશીનરી, કેમિકલ અને અન્ય સાધનો મળી આવ્યા હતા. પોલીસે રેલવે કર્મચારી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતાં ત્રણેયના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

પોલીસે અક્ષયરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ (32), વિજય ઉર્ફે મયંક રાજુભાઈ મકવાણા (33) અને જીતેન્દ્ર દિલીપભાઈ ખાવડિયા (40)ની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન 180 એમએલની 17 સીલબંધ નકલી દારૂની બોટલો, 231 ફ્રન્ટ-બેક લેબલ, 151 સીલ સ્ટીકરો, લોખંડની મશીન, સ્ટીલ પ્રેશર મશીન, કેમિકલના કન્ટેનર, ખાલી કેન તથા પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,00,940નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

‘For Sale in Punjab Only’ના લેબલથી તપાસનો વ્યાપ વધ્યો

ફેક્ટરીમાંથી જાણીતી બ્રાન્ડના લેબલ ઉપરાંત ‘For Sale in Punjab Only’ લખેલા સ્ટીકરો પણ મળી આવ્યા છે. જેના પગલે નકલી દારૂનું નેટવર્ક અન્ય રાજ્યો સુધી ફેલાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. કેમિકલ અને કાચો માલ ક્યાંથી આવતો હતો તથા તૈયાર નકલી દારૂ કોને અને ક્યાં સપ્લાય થતો હતો તેની પણ તપાસ હાથ ધરાઈ છે.

મોરબી-રાજસ્થાન સુધી કનેક્શનની તપાસ

આ કેસમાં મોરબી તથા રાજસ્થાન સાથે સંકળાયેલા શખ્સોના નામ પણ સામે આવ્યા છે. ઉપરાંત ભાવનગરના ઘોઘા રોડ અને ચિત્રા વિસ્તારના કેટલાક શખ્સોની ભૂમિકા અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અગાઉના નકલી દારૂ કાંડની કડી પણ તપાસ હેઠળ

ભાવનગરમાં અગાઉ બનેલા નકલી દારૂના કેસમાં થયેલા મોતની તપાસ દરમિયાન નકલી ‘રોયલ સ્ટેગ’ દારૂની વાત સામે આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં નકલી દારૂના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે તપાસ ચાલી રહી છે. હવે રેલવે કોલોનીમાંથી ઝડપાયેલી નકલી દારૂની ફેક્ટરી સાથે પણ આ નેટવર્કની કોઈ કડી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail