ગુજરાતમાં એકાદ મહિના બાદ ફરી મેઘરાજાએ મહેર વરસાવતા ખરીફ પાકને મોટી રાહત મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર ફરી આશાની કિરણ જોવા મળી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થતાં સુકાવા લાગેલા મગફળી, કપાસ અને કઠોળ સહિતના પાકને નવું જીવન મળ્યું છે. વરસાદનો આ રાઉન્ડ યથાવત્ રહ્યો તો ખેતીના ઉત્પાદનના અંદાજમાં પણ સુધારો થઈ શકે છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો, જ્યારે અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ મેઘરાજાની હાજરી નોંધાઈ છે.
છેલ્લા એકાદ મહિનાથી સાર્વત્રિક વરસાદના અભાવે સિંચાઈની સુવિધા ન ધરાવતા વિસ્તારોમાં પાક સુકાવાની શરૂઆત થઈ હતી. ખાસ કરીને મગફળીના પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વધી હતી. કપાસ અને કઠોળના પાક પર પણ વરસાદની અછતની અસર જોવા મળી રહી હતી. હવે વરસાદ થતાં આ પાકને જરૂરી ભેજ મળતાં સ્થિતિ સુધરવાની આશા છે.
હવામાન વિભાગે લો-પ્રેશર સિસ્ટમની અસરને પગલે 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં પણ વરસાદનો દોર ચાલુ રહે તો ખરીફ પાક માટે વધુ અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે. ઉપરાંત જળાશયોમાં પણ નવા પાણીની આવક થતાં રાજ્યની પાણીની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.
વર્તમાન વરસાદી રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. લો-પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ સક્રિય હોવાથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળી રહી છે.
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.45 ઇંચ (113 મીમી) વરસાદ નોંધાયો છે. ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 3.54 ઇંચ અને ધરમપુરમાં 3.43 ઇંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત બોટાદના બરવાળામાં 3.39 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં 3.35 ઇંચ, નવસારીના વાંસદામાં 3.27 ઇંચ, વલસાડના વાપીમાં 3.11 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.03 ઇંચ અને સુરેન્દ્રનગરના ચૂડામાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ સારી હાજરી નોંધાવી છે. ખેડાના કપડવંજ અને ખેડા તાલુકામાં 2.56 ઇંચ, અમદાવાદના ધંધૂકામાં 2.13 ઇંચ અને અમદાવાદ શહેરમાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખરીફ પાક અને આગામી કૃષિ ઉત્પાદનને લઈને ફરી આશાવાદ ઊભો થયો છે.









