થિરબાસા પાસે કાટમાળ અને પથ્થરો પડતાં માર્ગ બંધ : યાત્રાળુઓને અલગ-અલગ સ્થળે રોકાયા
ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને પગલે કેદારનાથ ધામ તરફ જતો પગપાળા યાત્રા માર્ગ રવિવારે બંધ કરી દેવામાં આવ્યો છે. થિરબાસા હેલીપેડ નજીક કાટમાળ જમા થવા ઉપરાંત સતત પથ્થરો પડતાં યાત્રાળુઓની અવરજવર અટકાવવામાં આવી છે.
વરસાદના કારણે માર્ગ પરથી કાટમાળ હટાવવાની કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે. કેદારનાથ તરફ જઈ રહેલા યાત્રાળુઓને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકી દેવામાં આવ્યા છે. જ્યારે કેદારનાથથી પરત ફરી રહેલા યાત્રાળુઓને જંગલચટ્ટી ખાતે રોકવામાં આવ્યા છે.
પ્રશાસને શ્રદ્ધાળુઓને માર્ગ સંપૂર્ણપણે સાફ અને સુરક્ષિત ન થાય તેમજ સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી આગળ ન વધવા અપીલ કરી છે. સતત વરસાદને કારણે કેદારનાથ યાત્રા માર્ગ પર જોખમ વધતાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
કેદારનાથ હેલી સેવાની 2926 ટિકિટ એક કલાકમાં બુક
ચારધામ યાત્રાના બીજા તબક્કામાં 15 સપ્ટેમ્બરથી શરૂ થનારી કેદારનાથ હેલી સેવાની ટિકિટોનું બુકિંગ શરૂ થતાં જ ભારે માગ જોવા મળી હતી. 7 સપ્ટેમ્બરે બુકિંગ શરૂ થયાના માત્ર એક કલાકમાં 15થી 30 સપ્ટેમ્બર સુધીની તમામ 2926 ટિકિટ બુક થઈ ગઈ હતી.
એક તરફ પગપાળા માર્ગ પર ભૂસ્ખલનના કારણે યાત્રા રોકવામાં આવી છે, તો બીજી તરફ હેલી સેવાની ટિકિટો માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.









