સસ્તા ભાવથી ટૂંકા ગાળે માર્કેટ શેર વધે તો વધે : લાંબાગાળાની નીતિ બદલાશે નહીં
મુકેશ અંબાણીની કંપની દ્વારા સોફ્ટ ડ્રિન્ક અને આઈસ્ક્રીમ માર્કેટમાં આક્રમક પ્રવેશથી કોકાકોલા અને પેપ્સીકો સામે સ્પર્ધા વધુ તીવ્ર બની છે. ખાસ કરીને કેમ્પાકોલાને માત્ર રૂ.10ના ભાવે બજારમાં ઉતારીને માર્કેટ શેર વધારવાની રણનીતિથી સોફ્ટ ડ્રિન્ક માર્કેટમાં ભાવયુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે.
આ પરિસ્થિતિ વચ્ચે કોકાકોલાએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે કંપની સસ્તા ભાવની સ્પર્ધામાં ઉતરશે નહીં. કોકાકોલાના ચીફ એક્ઝિક્યુટિવ એનરીક બ્રોનના જણાવ્યા મુજબ, કેમ્પાકોલા અન્ય બ્રાન્ડની સરખામણીએ ઓછા ભાવે વેચાઈ રહી છે, જેના કારણે તેને ટૂંકા ગાળે માર્કેટ શેરનો ફાયદો મળી શકે છે.
જોકે કોકાકોલા માટે માત્ર ભાવ ઘટાડીને સ્પર્ધાનો સામનો કરવાની કોઈ જરૂર નથી. કંપનીનું માનવું છે કે સસ્તા ભાવની ઓફરથી થોડા સમય માટે વેચાણ અને માર્કેટ શેરમાં ફેરફાર થઈ શકે, પરંતુ લાંબાગાળે કંપનીની વ્યૂહરચના બદલવાની જરૂર નથી.
કોકાકોલાએ સ્વીકાર્યું છે કે હાલની સ્પર્ધાના કારણે વેચાણ પર થોડો પ્રભાવ પડી શકે છે. તેમ છતાં મુશ્કેલ બજાર પરિસ્થિતિમાં લાંબાગાળે મજબૂત રીતે ટકી રહેવાની પોતાની ક્ષમતા પર કંપનીને વિશ્વાસ છે.
કંપનીનું સ્પષ્ટ કહેવું છે કે બજારમાં ચાલી રહેલા ભાવના શોરબકોરથી પ્રભાવિત થઈને તે ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લે. ગ્રાહકો, બ્રાન્ડ અને લાંબાગાળાની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને કોકાકોલા પોતાની હાલની સ્ટ્રેટેજી મુજબ જ આગળ વધશે.









