મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ધમધમાટ યથાવત : સતત 66મા મહિને નાણાંનો પ્રવાહ

ઓગસ્ટમાં ઈક્વિટી ફંડમાં રૂ.29,329 કરોડનું રોકાણ : SIPનો આંકડો રૂ.32,297 કરોડે પહોંચ્યો

શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે સીધા શેરોમાં રોકાણ કરવામાં રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડ તરફ નાણાંનો પ્રવાહ સતત મજબૂત રહ્યો છે. ઓગસ્ટમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ.29,329 કરોડનું રોકાણ થયું હતું, જે અગાઉના મહિના કરતાં 19 ટકા વધુ છે.

SIP મારફતે પણ રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહ્યો છે. ઓગસ્ટમાં SIPનું રોકાણ વધીને રૂ.32,297 કરોડના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. આ સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સતત 66મા મહિને નેટ ઈક્વિટી ઈન્ફ્લો નોંધાયો છે.

બીજી તરફ ફિક્સ્ડ ઈન્કમ કેટેગરીમાં ઓગસ્ટ દરમિયાન રૂ.8,711 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો હતો. જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો કુલ પ્રવાહ રૂ.1.87 લાખ કરોડ રહ્યો હતો.

ઓગસ્ટમાં 66.4 લાખ નવા SIP એકાઉન્ટ શરૂ થયા હતા, જ્યારે 54 લાખ એકાઉન્ટ બંધ થયા હતા. ક્લોઝર રેશિયો 81.9 ટકાથી ઘટીને 81.1 ટકા થયો છે.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) પણ વધીને રૂ.87.07 લાખ કરોડ થઈ છે, જે અગાઉના રૂ.85.75 લાખ કરોડની સરખામણીએ 1.5 ટકાનો વધારો દર્શાવે છે.

મિડકેપ અને સ્મોલકેપ ફંડમાં રૂ.14,962 કરોડ, ફ્લેક્સિકેપમાં રૂ.5,059 કરોડ અને મલ્ટિકેપ ફંડમાં રૂ.3,732 કરોડનું રોકાણ થયું હતું. જોકે લાર્જકેપ ફંડમાં રૂ.1,147 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો હતો. લાર્જકેપમાં અપેક્ષા મુજબનું વળતર ન મળતું હોવું તેના પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

Traffic Tail