મધ્યપૂર્વમાં વણસતી યુદ્ધની સ્થિતિ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો અને ભારતમાં વરસાદની ખેંચ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 644 પોઈન્ટ અને નિફ્ટી 224 પોઈન્ટ તૂટ્યા હતા. બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો અને ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો હતો.
ઈરાન તરફથી જોર્ડન બાદ બહેરીન પર થયેલા હુમલાના અહેવાલોને પગલે મધ્યપૂર્વનું યુદ્ધ વધુ ગંભીર બનવાની આશંકા વચ્ચે રોકાણકારોમાં ગભરાટ વધ્યો હતો. ક્રૂડ ઓઇલનો ભાવ $108ને પાર જતા ભારતીય અર્થતંત્ર પર દબાણ વધવાની ભીતિ વ્યક્ત થઈ હતી. ચોમાસું સક્રિય ન થતાં વરસાદની ખાધ વધવાના કારણે કૃષિ ક્ષેત્ર અંગે પણ ચિંતા વધી છે.
બજારમાં મોટાભાગના શેરોમાં ઘટાડો રહ્યો હતો. નાણાકીય સંસ્થાઓની વેચવાલી તથા IPOમાં નાણાં રોકાતા બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ONGC, ટેક મહિન્દ્રા, ઓઇલ ઇન્ડિયા, TCS અને વોડાફોન જેવા શેરોમાં મજબૂતી રહી હતી.
સેન્સેક્સ 644 પોઈન્ટ ઘટીને 74,257 અને નિફ્ટી 224 પોઈન્ટ ઘટીને 23,253 પર બંધ રહ્યા હતા.
સોના-ચાંદીમાં પણ કડાકો આવ્યો હતો. વિશ્વ બજારમાં સોનું $4,304 પર રહ્યું હતું, જ્યારે સ્થાનિક વાયદામાં સોનું ₹1,437 ઘટીને ₹1,50,904 થયું હતું. ચાંદી ₹3,300 ઘટીને ₹2,30,795 પર પહોંચી હતી.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 28 પૈસા ગગડીને 95.72ના સ્તરે પહોંચ્યો હતો.









