નવી દિલ્હી: પેકેટબંધ ખાદ્ય અને પેય પદાર્થોમાં ખાંડ, નમક અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય તો પેકેટના આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી આપવાની માંગ ગ્રાહકોમાં વધી રહી છે. લોકલ સર્કલ્સના સર્વેમાં મોટી સંખ્યામાં લોકોએ જણાવ્યું કે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણ ધરાવતા ઘટકોની માહિતી ગ્રાહકોને સરળતાથી વાંચી શકાય તે રીતે આપવામાં આવવી જોઈએ.
ગ્રાહકોના મતે આ અંગે FSSAIના પ્રસ્તાવિત નિયમોના બીજા તબક્કાની રાહ જોવાને બદલે સ્પષ્ટ લેબલિંગની વ્યવસ્થા વહેલી તકે લાગુ કરવી જોઈએ.
લાલ હેક્સાગોનમાં અપાશે ચેતવણી
FSSAIએ 28 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ સમક્ષ પેકેટબંધ ખાદ્ય પદાર્થોના ફ્રન્ટ પેનલ પર વધુ ખાંડ, વધુ નમક અને વધુ સેચ્યુરેટેડ ફેટ અંગે ચેતવણી દર્શાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પ્રસ્તાવ મુજબ પેકેટ પર લાલ રંગના હેક્સાગોનલ નિશાન દ્વારા સંબંધિત ચેતવણી દર્શાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં એવા ઉત્પાદનોને આવરી લેવાની દરખાસ્ત છે જેમાં ઉમેરેલી ખાંડ, નમક અને સેચ્યુરેટેડ ફેટમાંથી ઓછામાં ઓછા બે ઘટકો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય.
88 ટકા ગ્રાહકોની સ્પષ્ટ લેબલની માંગ
લોકલ સર્કલ્સના સર્વેમાં કુલ 23,516 પ્રતિસાદ મળ્યા હતા. જેમાંથી 88 ટકા લોકોએ જણાવ્યું કે ચેતવણીનું લેબલ એટલું મોટું અને સ્પષ્ટ હોવું જોઈએ કે ગ્રાહકો તેને સરળતાથી વાંચી શકે.
ગ્રાહકોનું કહેવું છે કે પેકેટ પર મહત્વની પોષણ માહિતી નાના અક્ષરોમાં નહીં, પરંતુ સહેલાઈથી નજરે પડે તે રીતે દર્શાવવી જરૂરી છે.









