નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનના ભારત પ્રવાસને લઈને અનિશ્ચિતતા યથાવત છે. ભારતની યજમાનીમાં 12 અને 13 ઓક્ટોબરે નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં બાંગ્લાદેશની ભાગીદારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
બાંગ્લાદેશના વિદેશમંત્રી ખલીલુર રહેમાને મંગળવારે તારિક રહેમાનના ભારત પ્રવાસ અંગે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકારોએ જ્યારે આ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.
BRICS સમિટમાં આમંત્રણ
ભારતે બાંગ્લાદેશને BIMSTECના વર્તમાન અધ્યક્ષ તરીકે BRICS સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. જોકે, તારિક રહેમાન ભારતની મુલાકાત લેશે કે નહીં તે અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
શેખ હસીનાના મુદ્દે વધ્યો તણાવ
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારત દ્વારા આશ્રય આપવાના મુદ્દે બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાપ્રધાનનો ભારત પ્રવાસ વધુ મહત્વનો બની ગયો છે.
હવે જોવાનું એ રહેશે કે તારિક રહેમાન BRICS સમિટમાં હાજરી આપે છે કે નહીં અને ભારત-બાંગ્લાદેશ વચ્ચેના વર્તમાન તણાવ વચ્ચે બંને દેશોના સંબંધોમાં આગળ શું વળાંક આવે છે.









